ભારતે પાકિસ્તાનને લધુમતી પર હિંસાના આક્ષેપ મુદ્દે લતાડ્યું, કહ્યું પહેલા આત્મ નિરીક્ષણ કરો ..

નવી દિલ્હી : ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના લધુમતીઓની સ્થિતિ ક્ફોડી બની છે. તેવા સમયે પાકિસ્તાને ભારતમાં મુસ્લિમો પર હિંસા અને ક્રિસમસ દરમિયાન હિંસાની થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે ભારતીય વિદેશ મંત્રાલયે આ મુદ્દે આકરું વલણ અપનાવ્યું છે. તેમજ પાકિસ્તાનને આત્મ નિરીક્ષણ કરવાની સલાહ આપી છે.
પાકિસ્તાનનો લધુમતી પર હિંસા મોરચે ખરાબ રેકોર્ડ
પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા ભારત અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. જેમાં પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન બહાર પાડીને પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી જયસ્વાલે કહ્યું, અમે એવા દેશ દ્વારા કરવામાં આવેલા કથિત નિવેદનોને નકારી કાઢીએ છીએ જેનો આ મોરચે ખરાબ રેકોર્ડ છે. પાકિસ્તાન દ્વારા વિવિધ ધર્મોના લઘુમતીઓ પર કરવામાં આવતો ભયાનક અત્યાચાર એક સ્થાપિત હકીકત છે. તેમજ ગમે તેટલી આંગળી ચીંધવાથી તે છુપાઈ નહી શકે.
પાકિસ્તાને ભારત પર મુસ્લિમોમાં ભય વધારવાનો આરોપ લગાવ્યો
આ પૂર્વે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ ભારતમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર અંગે ખોટા નિવેદનો આપ્યા છે. તાહિર અંદ્રાબીએ ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ હિંસા અને ક્રિસમસ દરમિયાન બનેલી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ ઘટનાઓ પર ધ્યાન આપવા વિનંતી કરી. પાકિસ્તાને ભારત પર મુસ્લિમોમાં ભય વધારવાનો આરોપ લગાવ્યો છે.



