નેશનલ

PM Modi ના રશિયા પ્રવાસથી નારાજ અમેરિકાને ભારતે આપ્યો આ જવાબ

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)તાજેતરમાં રશિયાની ઐતિહાસિક મુલાકાત લીધી હતી અને ત્યાંના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરી હતી. જો કે બીજી તરફ પીએમ મોદીના રશિયા પ્રવાસ પર અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે નાટો સમિટનું આયોજન કરી રહ્યા હતા. ત્યારે હવે પીએમ મોદીના રશિયા પ્રવાસ પર ભારતે પણ અમેરિકાને કડક શબ્દમાં જવાબ આપ્યો છે. ભારતે સ્પષ્ટપણે પીએમ મોદીની રશિયાની મુલાકાતને પસંદગીની સ્વતંત્રતાનો મામલો ગણાવ્યો છે.

અમેરિકાએ વાસ્તવિકતા પ્રત્યે સભાન રહેવું જોઈએ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકાને લઈને અનેક કડક શબ્દમાં જવાબ આપ્યો છે. જયસ્વાલે કહ્યું કે ભારતનો રશિયા સાથે લાંબા ગાળાનો સંબંધ છે અને આ સંબંધ પરસ્પર હિતો પર આધારિત છે. રણધીર જયસ્વાલે કહ્યું કે બહુધ્રુવીય વિશ્વમાં તમામ દેશોને તેમની પસંદગીને પ્રાધાન્ય આપવાની સ્વતંત્રતા છે. દરેક વ્યક્તિ માટે આવી વાસ્તવિકતાઓ પ્રત્યે સભાન રહેવું અને તેને સમજવું મહત્વપૂર્ણ છે.

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં આ મહિને દક્ષિણ અને મધ્ય એશિયા માટેના યુએસ સહાયક વિદેશ મંત્રી ડોનાલ્ડ લુએ પીએમ મોદીની રશિયા મુલાકાત પર ટિપ્પણી કરી હતી. લુએ કહ્યું હતું કે અમેરિકા એવા સમયે પીએમ મોદીની રશિયા મુલાકાતથી નિરાશ છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન નાટો સમિટનું આયોજન કરી રહ્યા છે. લુએ કહ્યું હતું કે અમે તે ચિંતાઓ અંગે ભારત સાથે વાત કરી રહ્યા છીએ.

ભારતમાં અમેરિકાના રાજદૂતે પણ નિવેદન આપ્યું હતું

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિને 8 અને 9 જુલાઈએ રશિયાની મુલાકાત લીધી હતી અને વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. આ પછી જો બાઇડેન પ્રશાસનના ઘણા અધિકારીઓએ રશિયા અને ભારત વચ્ચેના સંબંધોની ટીકા કરી. ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીએ પણ આ મુલાકાત વિરુદ્ધ નિવેદન આપ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button