ઉત્તર પ્રદેશમાં વરસાદથી 18 લોકોનાં મોત, જાણો ગુજરાત સહિત દેશભરમાં રવિવારે કેવું રહેશે હવામાન | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

ઉત્તર પ્રદેશમાં વરસાદથી 18 લોકોનાં મોત, જાણો ગુજરાત સહિત દેશભરમાં રવિવારે કેવું રહેશે હવામાન

નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદથી 18 લોકોના મોત થયા છે, જ્યારે રાજસ્થાનના અનેક જિલ્લામાં પૂર જેવી હાલત છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને કેરળ માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશમાં આઠ લોકોના ડૂબી જવાથી, બે લોકોના સર્પદંશથી મોત થયા હતા. આ સિવાય આઠ લોકોના વરસાદના કારણે મોત થયા હતા.

રાજસ્થાનમાં પણ અનેક જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ છે. વરસાદના કારણે અજમેર, પુષ્કર, બૂંદી, સવાઈ માધોપુર અને પાલી જિલ્લા સૌથી વધારે પ્રભાવિત છે. ટોંક જિલ્લાના ગોલરા ગામમાં 17 લોકો નદીમાં ફસાયા હતા, જેનેમને એસડીઆરએફે સલામત રીતે બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો: રાજ્યમાં ૨૪થી ૩૧મી જુલાઈ વચ્ચે સરેરાશથી વધુ વરસાદની આગાહી; ‘આ’ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડશે

ઉત્તરાખંડમાં રવિવારે નૈનીતાલ, ચંપાવત અને ઉધમસિંહ નગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દેહરાદૂન, ટિહરી અને પૌડીની સાથે બાગેશ્વર તથા પિથોરાગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા અને આવવા જવા પર નિયંત્રણ લગાવાયું છે. હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારોમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકવાનો આદેશ આપવામાં આવ્યો છે.

હિમાચલ પ્રદેશના હમીરપુર, કાંગડા, કુલ્લુ, મંડી, શિમલા, સોલન અને સિરમોર જિલ્લામાં ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કેરળના મલપ્પુપમ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે, જ્યારે એર્નાકુલમ, ત્રિશૂર અને પલક્કડમાં ઓરેન્જ એલર્ટ છે.

આ પણ વાંચો: ગુજરાતના 128 તાલુકામાં મેઘમહેરઃ બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 4.17 ઈંચ વરસાદ

અરૂણાચલ પ્રદેશના લોઅર સિયાંગ જિલ્લામાં ભારે વરસાદથી અનેક જગ્યાએ રોડ સંપર્ક ખોરવાઈ ગયો છે. સિક્કીમ અને પશ્ચિમ બંગાળ વચ્ચે નેશનલ હાઈવે-10 પર ભૂસ્ખલન અને પથ્થર પડવાથી વાહનવ્યવહાર ખોરવાયો છે.

ગુજરાતમાં રવિવારે ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે, જેમાં બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને કચ્છનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરોક્ત જિલ્લાઓ ઉપરાંત, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું અનુમાન છે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button