
નવી દિલ્હી : દેશભરમાં સતત ગરમી(Heat) વધી રહી છે. જેમાં આપણે જે ગરમીના આંકડા જોઇએ છીએ તેનાથી વધુ અનુભવીએ છીએ. જેમાં જોવા જઇએ 23 મેના રોજ દિલ્હીમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસ હતો પરંતુ તેનો અનુભવ 50 ડિગ્રી સેલ્સિયસ જેટલો લાગતો હતો. જો આમ જ ચાલશે તો આપણે 56 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અનુભવીશું તેમા કોઇ નવાઈ નથી. ત્યારે અહિયાં સવાલ એવો ઊભો થાય છે કે તો શું ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા કરતાં આપણે વધુ ગરમી અનુભવીએ છીએ.
હવામાન વિભાગે હીટ ઇન્ડેક્સ માપવાનું શરૂ કર્યું
હા, આ વાત સાચી છે. થોડા દિવસ પૂર્વે એક અભ્યાસ બહાર આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતના તમામ નાગરિકો દ્વારા સહન કરવામાં આવતું તાપમાન પહેલેથી જ નિર્ધારિત મર્યાદાથી ઉપર છે. જરૂરી નથી કે હવા ગરમ હોય તો જ ગરમી થાય. ક્યારેક ભેજ વધવાને કારણે ગરમી વધુ અનુભવાય છે. હવામાન વિભાગે હીટ ઇન્ડેક્સ કે અનુભવાય તેવું તાપમાન માપવાનું શરૂ કર્યું છે. જેમાં તાપમાન અને સાપેક્ષ ભેજ માપવામાં આવે છે. જેથી ઉનાળાના દિવસનો સચોટ ડેટા રજૂ કરી શકાય.
દિલ્હીમાં ગરમીનો અનુભવ 55.4 ડિગ્રીએ પહોંચ્યો હતો
હવામાન વિભાગના પૂર્વ નિર્દેશક આનંદ શર્માએ એક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે વિભાગે ગત વર્ષે 1 એપ્રિલથી હીટ ઇન્ડેક્સની ગણતરી શરૂ કરી હતી. વિભાગ મહત્તમ તાપમાનના આધારે હીટવેવની આગાહી કરે છે. જો આપણે અનુભવાયેલા તાપમાનની વાત કરીએ તો આ સિઝનમાં દિલ્હીમાં સૌથી વધુ હીટ ઇન્ડેક્સ નોંધાયો હતો. બુધવારે એટલે કે 22 મે 2024ના રોજ તે 55.4 ડિગ્રી સેલ્સિયસ હતું.
દેશમાં ભેજવાળી હીટવેવની ઘટનાઓ સતત વધી રહી છે.
દેશમાં ભેજવાળી હીટવેવની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે માનવ શરીર, પ્રાણીઓના શરીર અથવા વૃક્ષો અને છોડ જે તાપમાન સહન કરે છે તે ખરેખર ઘણું વધારે છે. તાપમાનનો પારો ઓછો દેખાય છે પરંતુ શરીર પર વધુ ગરમી અનુભવાય છે. કારણ કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં પ્રચંડ ગરમીને કારણે લોકો ત્રાહિમામ, આ શહેરમાં 50 ડિગ્રી સે. તાપમાન નોંધાયું
વેટ બલ્બનું તાપમાન શું છે ?
તાપમાન અને સાપેક્ષ ભેજની એકસાથે ગણતરી કરીને આપણે કોઈ ચોક્કસ સ્થળના વેટ બલ્બનું તાપમાન અથવા હીટ ઈન્ડેક્સની ગણતરી કરી શકીએ છીએ. આનાથી ભેજવાળી હવા અને તાપમાન બંનેની તપાસ કરી શકાશે. વેટ બલ્બના તાપમાનમાં સૌથી ઓછું તાપમાન હવાથી ઠંડુ હોય છે. હવા પાણીમાંથી નીકળતી વરાળથી નિશ્ચિત દબાણ પર ઠંડી થાય છે. જેના લીધે શરીરમાંથી સતત પરસેવો થાય છે.
પરસેવો જ માનવ શરીરનું રક્ષણ કરે છે
જ્યારે તાપમાન ખૂબ વધી જાય છે, ત્યારે માત્ર પરસેવો જ માનવ શરીરનું રક્ષણ કરે છે. પરંતુ જ્યારે તાપમાન વધારે હોય છે. ત્યારે ઠંડકની પ્રક્રિયા ધીમી પડી જાય છે. જેના કારણે માનવ શરીર બગડવા લાગે છે. આ સ્થિતિને કારણે તેને હીટ સ્ટ્રોક અથવા મૃત્યુનું જોખમ છે. વેટ બલ્બ તાપમાનની આંતરરાષ્ટ્રીય શ્રેણી 30 થી 35 ડિગ્રી સેલ્સિયસ છે. જો કોઈ આનાથી ઉપર જાય તો મૃત્યુ લગભગ નિશ્ચિત છે.
આ બધી અસરો અલ નીનોના લીધે
હવામાન વિભાગના પૂર્વ નિર્દેશક આનંદ શર્માએ એક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ બધી અસરો અલ- નીનોના(El Nino) લીધે છે. તેમજ હવે અલ નીનો સમાપ્ત થવાના આરે છે. આવતા મહિનાથી લા-નીનોની(La Nino) સ્થિતિ શરૂ થશે. જો એન્ટી સાયક્લોન સિસ્ટમ દરિયા કિનારાની નજીક હશે તો ગરમીમાં વધારો થશે અને ઉચ્ચ દબાણના પવનો ઉપરથી નીચે આવે છે. લો પ્રેશર વિસ્તારની રચનાને કારણે વરસાદની શક્યતા વધી છે. અલ નીનો એ પ્રશાંત મહાસાગરમાંથી પૂર્વ તરફ એટલે કે એશિયાથી અમેરિકા તરફ આવતો ગરમ સમુદ્રી પવન છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં હવામાન બદલાય છે. તેની બરાબર વિરુદ્ધ લા-નીનો સ્થિતિ છે.
આવી ભયંકર ગરમીમાંથી આપણને ક્યારે રાહત મળશે?
આનંદ શર્માએ જણાવ્યું કે દક્ષિણ ભારતમાં માર્ચ અને એપ્રિલમાં હીટવેવ હતી. ઉત્તરાખંડમાં જંગલમાં આગ લાગવાનું કારણ હીટવેવ નથી. હવે દક્ષિણમાં પ્રિ મોન્સુન એકટીવીટી જોવા મળી છે. સારો વરસાદ આવી રહ્યો છે. પહેલા ત્યાં ગરમી હતી. હવે તેમને રાહત મળી છે. તેમજ થોડા સમયમાં આપણને પણ રાહત મળશે.