નેશનલ

અમેરિકા સાથે ટ્રેડ ડીલ મુદ્દે ભારતે વલણ સ્પષ્ટ કર્યું, દબાણમાં ભારત નહિ ઝૂકે

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત ડઝનબંધ દેશોને 90 દિવસની ટેરિફ મુક્તિ આપવામાં આવી હતી. તે 9 જુલાઈએ સમાપ્ત થઈ રહી છે. જ્યારે ભારત અને અમેરિકાએ ફેબ્રુઆરીમાં દ્વિપક્ષીય ટ્રેડ ડીલ માટે વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કરી હતી. જોકે, હજુ સુધી બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલને કોઇ અંતિમ સ્વરૂપ આપવામાં નથી આવ્યું. તેમજ સમગ્ર વિશ્વની નજર ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર ટકેલી છે. જોકે, હાલ તો ભારતે ટ્રેડ ડીલ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે અને કહ્યું છે ભારત ઝૂકશે નહિ. તેમજ હવે નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવશે.

9 જુલાઈ પહેલા વચગાળાની ટ્રેડ ડીલની શક્યતા

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ભારતે અમેરિકા સાથેના વેપાર સોદા માટે કૃષિ અને ડેરી જેવા ક્ષેત્રોમાં મુખ્ય મુદ્દાઓ પર પોતાની મર્યાદા નક્કી કરી છે. તેથી હવે આ સોદાને અંતિમ સ્વરૂપ આપવાની જવાબદારી અમેરિકાના હાથમાં છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જો મુદ્દાઓ ઉકેલાઈ જાય તો 9 જુલાઈ પહેલા વચગાળાની ટ્રેડ ડીલની જાહેરાત થઈ શકે છે.

કૃષિ અને ડેરી ઉત્પાદનો પર અટવાયેલો મામલો

ભારતે કૃષિ અને ડેરી ઉત્પાદનો પર અમેરિકાને ડ્યુટી છૂટ આપવા અંગે પોતાનું વલણ કડક બનાવ્યું છે કારણ કે બંને સંવેદનશીલ વિષયો છે. ભારતે પહેલાં હસ્તાક્ષર કરાયેલા કોઈપણ વેપાર કરારમાં ડેરી ક્ષેત્રને ક્યારેય ખોલ્યું નથી. ટ્રમ્પે ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેમનું વહીવટીતંત્ર 10-12 દેશોના પ્રથમ જૂથને પત્રો મોકલી રહ્યું છે.જેમાં ડ્યુટી દરોની વિગતો શેર કરવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયા 9 જુલાઈ સુધીમાં પૂર્ણ કરી શકાય છે.

રાષ્ટ્રીય હિતમાં હોય તો જ ટ્રેડ ડીલ શક્ય

વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ગત અઠવાડિયે કહ્યું હતું કે ભારત સમય મર્યાદાના આધારે કોઈપણ ટ્રેડ ડીલ કરતું નથી અને જો તે રાષ્ટ્રીય હિતમાં હોય તો જ અમેરિકા સાથે પ્રસ્તાવિત ટ્રેડ ડીલ સ્વીકારશે. તેમણે કહ્યું હતું કે FTA ત્યારે જ શક્ય છે જ્યારે બંને પક્ષોને ફાયદો થાય. ગત અઠવાડિયે ભારતીય ટીમ અમેરિકા સાથે વચગાળાના વેપાર કરાર પર વાટાઘાટો કર્યા પછી વોશિંગ્ટનથી પરત ફરી હતી. સ્ટીલ, એલ્યુમિનિયમ પર 50 ટકા અને વાહન 25 ટકા ડ્યુટી પર પણ બંને દેશો વચ્ચે મતભેદો છે.

આ પણ વાંચો…અમેરિકામાં ઇલોન મસ્કએ નવી પાર્ટીની જાહેરાત કરી, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર આપ્યું આ નિવેદન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button