નેશનલ

ભારત અનાજમાં સરપ્લસ દેશ: વૈશ્ર્વિક અન્ન સુરક્ષા માટે કામ કરીશું: વડા પ્રધાન મોદી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે ભારત હવે અનાજના ઉત્પાદનમાં સરપ્લસ દેશ થઈ ગયો છે અને હવે વૈશ્ર્વિક અન્ન અને પોેષણ સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ કરી રહ્યો છે.

વડા પ્રધાને કહ્યું હતું કે કૃષિ ભારતની આર્થિક નીતિઓના કેન્દ્રમાં છે. 2024-25ના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ટકાઉ અને વાતાવરણના ફેરફારમાં પણ ખેતીને નુકસાન ન થાય તેવી ભારતીય ખેડૂતોને માટે ટેકારૂપ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે.

તેઓ 32મા ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એગ્રિકલ્ચર ઈકોનોમિસ્ટ (આઈસીએઈ)ને સંબોધી રહ્યા હતા, જેનું આયોજન ભારતમાં 65 વર્ષ બાદ કરવામાં આવ્યું હતું.
આ પહેલાની બેઠકને યાદ કરતાં મોદીએ એવો ઉલ્લેખ કર્યો હતો કે ત્યારે ભારત નવો સ્વતંત્રતા મેળવનારો દેશ હતો અને દેશના કૃષિ અને અન્ન સુરક્ષા ક્ષેત્ર માટે ત્યારનો સમય પડકારજનક હતો.

આ પણ વાંચો : તો શું સસ્તી થશે Insurance Policy ? આ મુખ્યમંત્રીએ નિર્મલા સીતારમણ સમક્ષ કરી માંગ

અત્યારે દેશ અનાજના ક્ષેત્રે સરપ્લસ દેશ છે. દેશ અત્યારે દૂધ, દાળ અને મસાલાના ઉત્પાદનમાં આખી દુનિયામાં નંબર એકનો દેશ છે, એમ તેમણે કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે અનાજ, ફળ-ફળાદી, શાકભાજી, કપાસ, સાકર અને ચાના ઉત્પાદનમાં દુનિયાનો બીજો સૌથી મોટો ઉત્પાદક છે. એક સમય હતો જ્યારે ભારતની અન્ન સુરક્ષા દુનિયા માટે ચિંતાનો વિષય હતો. હવે ભારત વૈશ્ર્વિક અન્ન સુરક્ષા અને વૈશ્ર્વિક પોષણ સુરક્ષાની સમસ્યાના નિરાકરણ માટે કામ કરી રહ્યું છે. આ કોન્ફરન્સમાં 70 દેશના મળીને કુલ 1000 પ્રતિનિધિઓ હાજર હતા.

મોદીએ કહ્યું હતું કે આથી જ ભારતના અનાજ ઉત્પાદનમાં જે આમૂલ પરિવર્તન આવ્યું છે તે અનુભવ આખી દુનિયા માટે જાણવા લાયક છે.
વડા પ્રધાને ભારપૂર્વક કહ્યું હતું કે ભારતની વૈશ્ર્વિક કલ્યાણ માટેની પ્રતિબદ્ધતાને તેમણે વિશ્ર્વબંધુ ગણાવતાં તેમણે કહ્યું હતું કે એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્ય. મિશન લાઈફ અને વન અથર્ર્, વન હેલ્થ.

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતનો દૃષ્ટિકોણ માનવ, વૃક્ષો અને પ્રાણીઓના આરોગ્યનું ધ્યાન રાખવાનો છે. ટકાઉ કૃષિ અને અન્ન વ્યવસ્થા અંગેના પડકારો ફક્ત એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્યના ઉદાત્ત વિચારથી જ શક્ય છે, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button