નેશનલ

સોશિયલ મીડિયા પર લગામ લગાવશે સરકાર, દેશ વિરોધી પોસ્ટ કરનારા વિરુદ્ધ થશે કડડ કાર્યવાહી

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પર દેશ વિરુદ્ધ સામગ્રી શેર કરવા બદલ કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. જે અંગે મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ માટે નીતિ લાવવાની તૈયારી કરી રહ્યું છે. રાષ્ટ્ર વિરોધી પ્રચાર કરનારા હેન્ડલ્સને બ્લોક કરવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.

સોશિયલ મીડિયા અંગે નવી નીતિ તૈયાર કરવામાં આવી

દેશ વિરુદ્ધ ઘણી વેબસાઇટ્સ પર સામગ્રી પણ અપલોડ કરવામાં આવે છે. આવું કરનારા લોકો હવે કાયદાથી બચી શકશે નહીં અને ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયા અંગે નવી નીતિ તૈયાર કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુપ્તચર એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓએ ગૃહ મંત્રાલયની સંસદીય સમિતિને આ અંગે માહિતી આપી હતી.

દેખરેખ માટે ખાસ ટીમ બનાવવામાં આવશે

સંસદીય સમિતિને એ પણ જાણ કરવામાં આવી હતી કે સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી લોકો પર નજર રાખવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવશે. આવા લોકોની ઓળખ કરવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાલિસ્તાન અલગતાવાદી આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ સહિત ઘણા અન્ય રાષ્ટ્ર વિરોધી લોકો સોશિયલ મીડિયા પર સક્રિય છે અને તેઓ નફરત ફેલાવી રહ્યા છે. નવી નીતિ આવ્યા બાદ, આવા લોકો પર કાબૂ મેળવવામાં આવશે.

સોશિયલ મીડિયા કંપનીઓ સાથે પણ વાતચીત

આ અંગે અમેરિકન સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે પણ વાતચીત થઈ રહી છે. કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે સોશિયલ મીડિયા કંપનીઓ તેમના સ્તરે પણ દેખરેખ રાખે કે તેમના પ્લેટફોર્મ પર ભારત વિરોધી તત્વો અપલોડ ન થાય. સીબીઆઈ, એનઆઈએ રાજ્ય પોલીસ અને આંતરિક સુરક્ષા સાથે સંબંધિત અન્ય એજન્સીઓ ભારત વિરોધી તત્વોના પ્રયાસોને રોકવા માટે એક રણનીતિ પર કામ કરી રહી છે.જેનો અમલ ટૂંક સમયમાં થઈ શકે છે.

દેશ વિરોધી લોકો સોશિયલ મીડિયા પર સક્રિય

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ત્યારબાદ ઓપરેશન સિંદૂર દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણી રાષ્ટ્ર વિરોધી પોસ્ટ શેર કરવામાં આવી હતી. દેશ વિરોધી લોકો મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા પર સક્રિય છે. હવે તેમના પર કાબૂ મેળવવામાં આવશે.

આ પણ વાંચો…અચાનક જ કેમ Priyanka Chopra સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગી? કારણ જાણીને ચોંકી ઉઠશો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button