દેશમાં આર્થિક મોરચે સારા સમાચાર, GDP વૃદ્ધિ દર વધીને 7.4 ટકા થવાનો અંદાજ

નવી દિલ્હી : દેશમાં આર્થિક મોરચે સારા સમાચાર આવ્યા છે. જેમાં દેશમાં ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માં ભારતનો GDP વૃદ્ધિ દર વધીને 7.4 ટકા થવાનો અંદાજ છે. આ તાજેતરનો અંદાજ પાછલા નાણાકીય વર્ષ કરતા 0.9 ટકા વધુ છે. ગત વર્ષે નાણાકીય વર્ષ 2024-25 માં દેશનો GDP વૃદ્ધિ દર 6.5 ટકા હતો. ચાલુ નાણાકીય વર્ષ માટે દેશના GDP વૃદ્ધિ દરનો સરકારી અંદાજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અંદાજ કરતા પણ વધારે છે. આરબીઆઇએ ચાલુ નાણાકીય વર્ષ માટે દેશનો GDP વૃદ્ધિ દર 7.3 ટકા રહેવાનો અંદાજ રાખ્યો છે.
ઉત્પાદન અને બાંધકામ ક્ષેત્રોના 7 ટકાના વિકાસ દરનું અનુમાન
આ ઉપરાંત આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા રાષ્ટ્રીય આવકના પ્રથમ આગોતરા અંદાજ મુજબ દેશના ઉત્પાદન અને બાંધકામ ક્ષેત્રો 7 ટકાના વિકાસ દરને પ્રાપ્ત કરવાનો અંદાજ છે. સેવા ક્ષેત્રમાં મજબૂત વૃદ્ધિ નાણાકીય વર્ષ 2025-26 માં 7.3 ટકાના અંદાજિત વાસ્તવિક વૃદ્ધિ દરનું મુખ્ય પરિબળ રહ્યું છે.
આ પણ વાંચો : ભારતના અર્થતંત્રને મળ્યો વેગ! RBI રેપો રેટ યથાવત્ રાખ્યો, GDP ગ્રોથ માટે આપ્યું અનુમાન
વર્ષ 2025-26 દરમિયાન GDP 8 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ
તેમજ 31 માર્ચના રોજ પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો અને ‘વીજળી, ગેસ, પાણી પુરવઠો અને અન્ય ઉપયોગિતા સેવાઓ’ ક્ષેત્રોમાં મધ્યમ વૃદ્ધિ દર રહેવાનો અંદાજ છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2025-26 દરમિયાન વર્તમાન ભાવે GDP 8 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે.
ભારત વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બની
આ ઉપરાંત ભારત વર્ષ 2025ના અંતમા વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બની છે. ભારત જાપાનને પછાડીને આગળ વધ્યું છે. ભારતનું અર્થતંત્ર 4.18 ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગયું છે. સરકારનો દાવો છે કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. તેમજ વર્ષ 2030 સુધીમાં ભારત જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.
આ પણ વાંચો : સપ્ટેમ્બર અંતનો GDP ઘટીને 6.5% રહેવાનો આ એજન્સીએ આપ્યો અંદાજ
2030 સુધીમાં 7.3 ટ્રિલિયન અમેરિકન ડોલર જીડીપીનો અંદાજ
વર્ષ 2025માં દેશના સુધારા અંગેના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 4.18 ટ્રિલિયન અમેરિકન ડોલર જીડીપી સાથે ભારતે જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. તેમજ વર્ષ 2030 સુધીમાં 7.3 ટ્રિલિયન અમેરિકન ડોલર જીડીપીનો અંદાજ છે. જેના લીધે ભારત જર્મનીને પછાડીને આગામી ત્રણ વર્ષના ત્રીજા સ્થાને પહોંચશે.
ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંની એક
સરકારે જણાવ્યું છે કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને આ ગતિ જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. વર્ષ 2047 સુધીમાં તેની સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ સુધીમાં ઉચ્ચ મધ્યમ આવકનો દરજ્જો પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે દેશ આર્થિક વિકાસ, માળખાકીય સુધારાઓ અને સામાજિક પ્રગતિના મજબૂત પાયા પર આગળ વધી રહ્યો છે.



