નવી દિલ્હી: ઈન્ડો-પેસિફિક રિજન સહિતના દેશો માટે અત્યાધુનિક સંરક્ષણ ટૅક્નોલૉજી વિકસાવવા તેમ જ ઉત્પાદન કરવા ભારત અને ફ્રાન્સ સંરક્ષણ ક્ષેત્રે સહકાર વધુ મજબૂત કરશે, એમ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઍમ્માન્યુલ મૅક્રોને રવિવારે કહ્યું હતું.
જી-૨૦ શિખર પરિષદ દરમિયાન આ બંને નેતા એકમેકને મળ્યા હતા અને દ્વિપક્ષી સંરક્ષણ સહકાર મજબૂત બનાવવાને મુદ્દે વાતચીત કરી હતી.
ઈન્ડો-પેસિફિક રિજન સહિતના દેશો માટે ભારતમાં અત્યાધુનિક સંરક્ષણ ટૅક્નોલૉજીના વિકાસ માટે જરૂરી ડિઝાઈન, ડૅવલપમેન્ટ, ટૅસ્ટિંગ અને ઉત્પાદન સહિતને મામલે સહકાર વધારવા, મજબૂત કરવા તેમ જ ઉત્પાદન વધારવાની બંને દેશે ખાતરી આપી હતી, એમ બંને દેશ દ્વારા બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
આ માટેનો રોડમૅપ જલદી તૈયાર કરવાની પણ હાકલ કરવામાં આવી હોવાનું બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
જી-૨૦માં દક્ષિણ આફ્રિકાના સભ્યપદને ફ્રાન્સે આવકાર્યું હતું અને તેની પ્રગતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે કામ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
પ્રાદેશિક તેમ જ વૈશ્ર્વિક પડકારોનો ઉકેલ લાવવા ભારત-ફ્રાન્સના સંબંધો વધુ વ્યાપક અને મજબૂત બનાવવા પર પણ મૅક્રોને ભાર મૂક્યો હતો.
આ પડકારજનક સમયમાં નવા ગ્લોબલ ઑર્ડરને નવેસરથી આકાર આપવા માટે ‘વસુધૈવ કુટુંબકમ’ એટલે કે ‘વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’નો સંદેશો ફેલાવવા એકજૂટ રહીને કામ કરવા બંને દેશે સહમતી દર્શાવી હતી.
શિક્ષણ, સંસ્કૃતિ, આરોગ્ય, પર્યાવરણ, વિજ્ઞાન, ટૅક્નોલોજી ઈનોવેશન અને ડિજિટલ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા સહકાર વધારવા પર બંને દેશના નેતાએ ભાર મૂક્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલર ઑલાફ સ્કૉલ્ઝ, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડે, દક્ષિણ કોરિયાના પ્રમુખ યૂન સૂ યૅલ, તૂર્કીના પ્રમુખ રૅસેપ તાય્યિપ ઍર્ડોગન અને આફ્રિકાના પ્રમુખ અઝાલિ અસૈમણી સાથે પણ પરસ્પરના દેશના હિત તેમ જ પૃથ્વીના વધુ સારા ભવિષ્ય અંગે વાતચીત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન, બંગલાદેશના વડા પ્રધાન શેખ હસિના અને મૉરેશિયસના વડા પ્રધાન પ્રવિણ જૂગનાથ સાથે દ્વિપક્ષી મંત્રણા કરી હતી.
શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુકેના વડા પ્રધાન ઋષિ સૂનક અને ઈટલીના વડા પ્રધાન જ્યૉર્જિયા મૅલોની સાથે દ્વિપક્ષી મંત્રણા કરી હતી. (એજન્સી)
