ભારત આવક સમાનતામાં ચીન-અમેરિકાથી આગળ: વર્લ્ડ બેંક આવકની સમાનતા

નવી દિલ્હીઃ વર્લ્ડ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ ભારત વિશ્વનો ચોથો આર્થિક સમાનતાવાળો દેશ બની ગયો છે. ભારતમાં 2011-12 અને 2022-23 વચ્ચે આવકમાં અસમાનતા અને વધારે ગરીબીમાં ઘણો ઘટાડો થયો હોવાનું રિપોર્ટમાં જણાવ્યું છે. ભારતે સમાનતા મામલે અમેરિકા, યુકે અને ચીન જેવા દેશોને પણ પાછળ રાખ્યા છે. વર્લ્ડ બેંક દ્વારા આવક અસમાનતા માપનારા ગિની ઈન્ડેક્સમાં ભારતને 25.5 પર સ્થાન મળ્યું છે, જે 2011-12માં આંક 28.8 હતું.
વર્લ્ડ બેંકના ગિની ઈન્ડેક્સમાં ભારતને આવક કે ધનના વિતરણ મામલે ચોથા સૌથી સમાન દેશ તરીકે ગણાવાયો હતો. ભારતને સ્લોવાક રિપબ્લિક (24.1), સ્લોવેનિયા (24.3) અને બેલારુસ (24.4)થી થોડું પાછળ છે. ભારત સમાનતાના મામલે અમેરિકા, યુકે અને ચીન જેવા દેશોથી ખૂબ આગળ છે.
આ પણ વાંચો: સૌથી સ્વચ્છ અને ભિખારીમુક્ત શહેર ઈન્દોર પાસેથી વર્લ્ડ બેંક પણ શિખવા આવી, આપણે ક્યારે શિખીશું?
રિપોર્ટ મુજબ ભારતમાં આ દર સુધરવાનું મુખ્ય કારણ ગરીબીમાં ઝડપથી થયેલો ઘટાડો છે. આ શ્રેણીમાં 2.15 ડૉલર પ્રતિદિનથી ઓછા જીવન જરૂરી ખર્ચની શ્રેણીમાં રાખવામાં આવે છે. વર્લ્ડ બેંક મુજબ ભારતમાં ગરીબી 2011-12માં 16.2 ટકા હતી, જે 2022-23માં માત્ર 2.3 ટકા રહી છે. આ દરમિયાન 17 કરોડથી વધારે લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ભારતમાં ગ્રામીણ ગરીબી 18.4 ટકાથી ઘટીને 2.3 ટકા અને શહેરી ગરીબી 10.7 ટકાથી ઘટીને 1.1 ટકા રહી છે. ગ્રામીણ શહેરી ગરીબીનું અંતર 7.7 ટકાથી ઘટીને 1.7 ટકા રહી ગયું છે.
શું છે ગિની ઈન્ડેક્સ
ગિની ઈન્ડેકસ પણ દેશમાં આવક કે ધન વિતરણની સમાનતા માપે છે. આ ઈન્ડેક્સમાં શૂન્યનો સ્કોર પૂર્ણ સમાનતા અને 100નો સ્કોર મહત્તમ અસમાનતા દર્શાવે છે. રિપોર્ટમાં ભારતને 25.5 અંક સાથે મધ્યમ રૂપથી ઓછી અસમાનતા શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. આ શ્રેણીમાં ઉચ્ચ આવકવાળા યુરોપિયન દેશો સામેલ છે. આ ઈન્ડેક્સમાં ચીનનો સ્કોર 35.7, અમેરિકાનો સ્કોર 41.8 છે. આ દેશોમાં ઘણી વધારે અસમાનતા દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચો: નવી સરકાર બનતા જ વર્લ્ડ બેંકે આપ્યા good news, કહ્યું- આગામી 3 વર્ષમાં દુનિયા જોશે ભારતનો દબદબો
સરકારી યોજનાનું મહત્ત્વનું યોગદાન
રિપોર્ટ મુજબ, ભારતના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં સૌથી વધુ ગરીબ હતા. આ રાજ્યોનું કુલ ગરીબીમાં બે તૃતીયાંશ યોગદાન છે. આવક ઉપરાંત સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ અને જીવન સ્તર સાથે જોડાયેલી ગરીબી પણ ઘટી છે, જેમાં પ્રધાનમંત્રી જન ધન યોજના, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને સ્ટેન્ડ અપ ઈન્ડિયા જેવી સરકારી યોજનાએ મહત્ત્વનું યોગદાન આપ્યું છે.