ગુજરાતમાં 15 ઓગસ્ટ, 2027થી બુલેટ ટ્રેન દોડશે, ક્યા રૂટ પર થશે શરૂઆત ?

સુરત/નવી દિલ્હીઃ જેની ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે તે ભારતના બુલેટ ટ્રેનના સ્વપ્નને સાકાર કરતી મહત્વની જાહેરાત કેન્દ્રીય રેલવે પ્રધાને કરી હતી. પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે દેશની સૌપ્રથમ બુલેટ ટ્રેન ૧૫ ઓગસ્ટ, ૨૦૨૭થી પાટા પર દોડતી થઈ જશે.
આ ટ્રેનની ઉદ્ઘાટન સેવા દક્ષિણ ગુજરાતના સુરત અને બીલીમોરા વચ્ચે શરૂ કરવામાં આવશે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ હેઠળ આ સેવા શરૂ થવી એ ભારતીય રેલવેના ઈતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ઘટના બની રહેશે
મુંબઈ-અમદાવાદ કોરિડોરનું કામ ચાર તબક્કામાં
રેલવે પ્રધાને પ્રોજેક્ટની પ્રગતિ અંગે માહિતી આપતા કહ્યું હતું કે ૫૦૮ કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ કોરિડોરનું કામ ચાર તબક્કામાં ચાલી રહ્યું છે. જેમાં સુરત-બીલીમોરા સેક્શનનું બાંધકામ અન્ય વિસ્તારોની સરખામણીએ એડવાન્સ સ્ટેજ પર હોવાથી તેને પ્રાથમિકતા આપવામાં આવી છે.
નદી પરના પુલો અને સ્ટેશનોનું નિર્માણ કાર્ય ખુબ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. યોજના મુજબ, સૌપ્રથમ સુરત-બીલીમોરા રૂટ શરૂ થશે, ત્યારબાદ તબક્કાવાર રીતે વાપી-સુરત, વાપી-અમદાવાદ અને અંતે મુંબઈ સુધીનો સંપૂર્ણ રૂટ કાર્યરત કરવામાં આવશે.
અમદાવાદ-મુંબઈનો મુસાફરીનો સમય ઘટશે
જાપાનની અત્યાધુનિક ‘શિન્કાન્સેન’ ટેકનોલોજી પર આધારિત આ ટ્રેન સંપૂર્ણ રીતે કાર્યરત થયા બાદ અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય ઘટીને ત્રણ કલાકથી પણ ઓછો થઈ જશે. મુસાફરોને વિશ્વસ્તરીય ગતિ, સુવિધા અને સુરક્ષા મળશે.
મંત્રીએ ઉમેર્યું હતું કે ‘આઝાદી કા અમૃત કાળ’ની ઉજવણી સાથે ૧૫ ઓગસ્ટ ૨૦૨૭ના રોજ બુલેટ ટ્રેનનો પ્રારંભ એ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં ભારતની મોટી હરણફાળ સાબિત થશે.
આ પણ વાંચો…બુલેટ ટ્રેનનું ધ્વનિ પ્રદૂષણ રોકવા 4 લાખ નોઈઝ બેરિયર્સ લગાવાયા…



