દેશમાં પહેલીવાર જાનવરો માટે બ્લડબેંકઃ સરકારે જાહેર કરી ગાઈડલાઈન

નવી દિલ્હીઃ આજકાલ જાનવરોનો મામલો ગરમાયો છે. દિલ્હીમાં રખતા શ્વાન અને મુંબઈમાં કબૂતરોને ચણ આપવાના મુદ્દો રાજકારણ ગરમાયું છે ત્યારે બીજી બાજુ જાનવરોની સુરક્ષા મામલે સરકારે એક નિર્ણય લીધો છે જે દેશમાં પહેલીવાર બન્યું છે. જાનવરોને બ્લડ ચડાવવા આવે છે તે માટે અને તેમના માટેની બ્લડ બેંક માટે સરકારે નિયમાવલી જાહેર કરી છે.
આ નિયમાવલી અનુસાર દરેક રાજ્યમાં હવે પશુચિકિત્સા બ્લડ બેંકો સ્થાપિત કરવામાં આવશે, જેનું માળખું સલામતી ધોરણો અનુસાર હશે. રક્તદાન પહેલાં બ્લડ ટાઇપિંગ બ્લડ ગ્રુપ ઓળખ અને ક્રોસ-મેચિંગ જરૂરી રહેશે, જેથી ખોટા મેચિંગને કારણે પ્રાણીઓના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં અટકી શકે.
આ પગલું પશુઓને અપાતી ઈમરજન્સી મેડિકલ ટ્રીટમેન્ટ સમયે કામ આવશે. આ નિયમો પ્રાણીઓને ટ્રીટમેન્ટ માટે એક વૈજ્ઞાનિક માળખું તૈયાર કરવાની ફરજ જે તે સેવાઓ આપનારને પાડશે.
આ પણ વાંચો: જો તમારા ઘરે પાલતુ જાનવરો છે તો તૈયાર રહેજો મુંબઈગરા, સપ્ટેમ્બરથી શરુ થશે…
માણસોની જેમ પ્રાણીઓમાં પણ બ્લડ ડોનેશન અને બ્લડ બેંકની જરૂર પડે છે. કોઈપણ પ્રાણી જ્યારે ગંભીર ઈજાનો ભોગ બને, તેને એનિમિયા હોય અથવા તો કોઈ ઑપરેશન દરમિયાન લોહી વહી જતું હોય કે ઈન્ફેક્શન થયું હોય ત્યારે તેને બચાવવા માટે લોહીની જરૂર પડતી હોય છે. ભારતમાં પ્રાણીઓના બ્લડ ડોનેશનની સચોટ નિયમાવલી ન હોવાથી ડોનરની ચકાસણી, બ્લડ ગ્રુપ વગેરેમાં પ્રોટોકોલ ફોલો કરવામાં આવતા ન હતા, જે હવે કરવા ફરજિયાત બનશે.
શું છે નિયમાવાલીમાં
દરેક રાજ્યમાં નિયમાવલી અનુસાર વેટરિનરી બ્લડ બેંક બનાવવામાં આવશે.
રક્તદાન પહેલાં બલ્ડ ગ્રુપ અને ક્રોસ-મેચિંગ ફરજિયાત રહેશે જેથી પ્રાણીઓને કોઈ સમસ્યા ન નડે
રક્તદાન કરતા પ્રાણીઓના આરોગ્ય માટે પણ નિયમો નક્કી કરવામા આવશે અને તેમનું જ બ્લડ લેવામાં આવશે.
સ્વૈચ્છિક રક્તદાન પર ભાર મૂકવામાં આવશે અને દાતા પ્રાણીઓઓના અધિકારોનું રક્ષણ કરવા માટે દાતા અધિકાર ચાર્ટર લાગુ કરવામાં આવશે.
SOP, ફોર્મ અને ચેકલિસ્ટ તૈયાર કરવામાં આવશે, જે દાતાની નોંધણી, રક્તદાન પછીની દેખરેખ અને કોઈપણ પ્રતિકૂળ અસરોની જાણ કરવાની સુવિધા આપશે.
એક રાષ્ટ્રીય પશુ રક્ત બેંક નેટવર્ક (N-VBBN) બનાવવામાં આવશે, જેમાં ડિજિટલ રજિસ્ટર, રીઅલ-ટાઇમ બ્લડ સ્ટોક અને કટોકટી હેલ્પલાઇન હશે.
ભારતમાં લગભગ ૫૩૭ મિલિયન પશુઓ જેમ કે ગાય, ભેંસ, બકરા અને લગભગ ૧૨૫ મિલિયન પાલતુ પ્રાણીઓ જેમ કે કૂતરા, બિલાડી છે. સમગ્ર પશુપાલન ક્ષેત્ર દેશના GDP માં ૫.૫% અને કૃષિ GDP માં ૩૦% થી વધુ ફાળો આપે છે. ગ્રામીણ જીવન હોય, કૃષિ હોય આ બધા જ ક્ષેત્રોમાં આ મૂંગા પ્રાણીઓનો ફાળો ખૂબ જ મહત્વનો છે. તેઓ પોતાનું દુઃખ કહી શકતા નથી. બીજી બાજુ ઘણા પશુપ્રેમીઓ છે અને સાથે વેટરિનરી હૉસ્પિટલો છે જેમને સ્પષ્ટ નિયમાવલી આપવી જરૂરી છે. સરકારે આ પહેલ કરી છે તે સરાહનીય છે, હવે જરૂરી છે કે તેનો અમલ થાય.