USAID ફંડના વિવાદ વચ્ચે નાણાં મંત્રાલયનો અહેવાલ, આ પ્રોજેક્ટમાં વપરાયું ફંડ

નવી દિલ્હી : ભારતમાં વર્ષ 2024માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં મતદાન વધારવા યુએસએઆઇડી( USAID) ફંડના ઉપયોગ મુદ્દે વિવાદ સર્જાયો છે. આ અંગે ભારતના વિદેશ મંત્રાલય અને વિદેશ મંત્રી આકરી પ્રતિક્રિયા આપી છે. તેવા સમયે નાણાં મંત્રાલયના તાજેતરના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે એજન્સીએ વર્ષ 2023-24માં 750 મિલિયન ડોલરના સાત પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડ્યું છે.
આ પણ વાંચો: USAID ને લઈ વિદેશ પ્રધાન એસ જયશંકરે શું આપ્યું નિવેદન?
સાત પ્રોજેક્ટ્સ અમલમાં મૂકી રહ્યું છે
નાણા મંત્રાલયના 2023-24ના વાર્ષિક અહેવાલ મુજબ, USAID હાલમાં ભારત સરકાર સાથે ભાગીદારીમાં આશરે 750 મિલિયન ડોલરના કુલ બજેટ સાથે સાત પ્રોજેક્ટ્સ અમલમાં મૂકી રહ્યું છે. આ અહેવાલમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2023-24 માટે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) દ્વારા સાત પ્રોજેક્ટ્સ હેઠળ કુલ 97 મિલિયન ડોલરનો એગ્રીમેન્ટ કરાયો છે.
સાત પ્રોજેક્ટ માટે ભંડોળ આપવામાં આવ્યું
નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગે પણ અહેવાલમાં 2023-24માં ભંડોળ પૂરું પાડવામાં આવેલા પ્રોજેક્ટ્સની વિગતો શેર કરી છે. આર્થિક બાબતોનો વિભાગ દ્વિપક્ષીય નાણાકીય વ્યવસ્થા માટે નોડલ વિભાગ છે. આ વર્ષ દરમિયાન મતદાન વધારવા માટે કોઈ ભંડોળ પૂરું પાડવામાં આવ્યું ન હતું, પરંતુ કૃષિ અને ખાદ્ય સુરક્ષા કાર્યક્રમો; પાણી, સ્વચ્છતા અને આરોગ્ય, ઊર્જા નવીનીકરણ અને આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત પ્રોજેક્ટ્સ માટે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વનીકરણ અને આબોહવા જાળવણી કાર્યક્રમ અને ઉર્જા કાર્યક્ષમતા ટેકનોલોજી વ્યાપારીકરણ અને નવીનતા પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું.
દ્વિપક્ષીય વિકાસ સહાય 1951 માં શરૂ થઈ હતી
ભારત અને અમેરિકાની દ્વિપક્ષીય વિકાસ સહાય 1951 માં શરૂ થઈ હતી અને તેનું સંચાલન મુખ્યત્વે USAID દ્વારા કરવામાં આવે છે. તેની સ્થાપના પછી USAID એ 555 થી વધુ પ્રોજેક્ટ્સ માટે વિવિધ ક્ષેત્રોમાં ભારતને 17 બિલિયન ડોલરથી વધુ આર્થિક સહાય પૂરી પાડી છે.
માહિતી ચિંતાજનક છે અને સરકાર તેની તપાસ કરી રહી છે
આ મહિને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દાવો કર્યો છે કે જો બાઇડેન સરકારે USAID એ લોકસભા ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરવા માટે ભારતને 21 મિલિયન ડોલરનું ભંડોળ ફાળવ્યું હતું. વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે કહ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી ચિંતાજનક છે અને સરકાર તેની તપાસ કરી રહી છે.