વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું, કાન ખોલીને સાંભળો પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે નથી થઈ વાત

નવી દિલ્હી : રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર મુદ્દે ચાલી રહેલી ચર્ચા દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે વિપક્ષને જવાબ આપ્યો છે. તેમણે ઓપરેશન સિંદૂરમાં યુદ્ધવિરામ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. તેમણે વિપક્ષને કહ્યું કાન ખોલીને સાંભળી લો , 22 એપ્રિલથી 16 જુન સુધી પીએમ મોદી અને અમેરિકા રાષ્ટ્રપતિ વચ્ચે એક પણ ફોન કોલ નથી થયો. વિપક્ષ વારંવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વિરામમાં ડોનાલ્ડ ટ્રમ્પની ભૂમિકા અંગે સ્પષ્ટતા માંગી રહ્યું છે. તેથી વિદેશ મંત્રીએ આ અંગે સ્પષ્ટતા કરી હતી.
પાકિસ્તાનને જડબાતોડ જવાબ પણ આપ્યો
ઓપરેશન સિંદૂર દરમિયાન અમેરિકા સાથે વાતચીત અંગે વિદેશ મંત્રીએ જણાવ્યું કે, 9 મે ના રોજ અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વાન્સે પીએમ મોદીને ફોન કરીને ચેતવણી આપી હતી કે કેટલાક કલાકોમાં પાકિસ્તાન હુમલો કરશે. ત્યારે પીએમ મોદીએ પણ એ સ્પષ્ટ કર્યું હતું કે જો હુમલો થશે તો તેનો યોગ્ય ઉત્તર આપવામાં આવશે. તેમજ પાકિસ્તાન તરફથી હુમલો થયો અને ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ પણ આપ્યો.
આપણ વાંચો : ટ્રમ્પ અને ભારત સરકાર વચ્ચેની સંભવિત ટ્રેડ ડીલ વિશે રાહુલે ફરી મોદીને બાનમાં લીધા…
પાકિસ્તાને આ અંગે વિનંતી કરવી પડશે
આ ઉપરાંત આ સંઘર્ષ દરમિયાન અમને ફોન આવ્યા કે પાકિસ્તાન યુદ્ધ રોકવા માટે તૈયાર છે. અમારી સાથે વાત કરનારા દરેક વ્યકિતને અમે એ જ જવાબ આપ્યો હતો કે પાકિસ્તાને આ અંગે વિનંતી કરવી પડશે. તેમજ આ અપીલ ડીજીએમઓ સ્તરે જ આવવી જોઈએ. સમગ્ર વિશ્વમાં એવો કોઈ નેતા ન હતો જેમણે આ યુદ્ધ રોકવા માટે કહ્યું હોય. ટ્રેડને કોઈ લેવા દેવા નથી. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે કોઈ કોલ નથી થયો.