ADR analysis: પાંચમાં તબક્કામાં 159 કલંકિત, 227 કરોડપતિ, માત્ર 82 મહિલા ઉમેદવારો મેદાને

નવી દિલ્હી: દેશમાં હાલ ચૂંટણીનો માહોલ ગરમ છે, 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાઈ રહી છે, ચોથા તબક્કા માટે મતદાન થઈ ચુક્યું છે. જ્યારે પાંચમાં તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવી છે, આ દરમિયાન એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ પાંચમાં તબક્કામાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના એફિડેવિટનું એનાલિસિસ કર્યું છે, આ તબક્કામાં કુલ 695 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.
ADR અનુસાર, 20 મેના રોજ પાંચમા તબક્કામાં કુલ 695 ઉમેદવારોમાંથી માત્ર 82 મહિલાઓ છે. જ્યારે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 135 (8 ટકા) મહિલા ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જ્યારે બીજા તબક્કામાં 100 (8 ટકા) મહિલા ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. તેવી જ રીતે ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 123 (9 ટકા) મહિલા ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જ્યારે ચોથા તબક્કામાં 170 (10 ટકા) મહિલા ઉમેદવારોએ ચૂંટણી લડી હતી.
એડીઆરના રિપોર્ટ મુજબ પહેલા તબક્કામાં 695 ઉમેદવારોમાંથી 159(23 ટકા) પર કેસ નોંધાયેલા છે, જ્યારે 122 (16 ટકા) ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ત્રણ ઉમેદવારોએ પોતાની સામે દોષિત મામલો જાહેર કર્યો છે. ચાર ઉમેદવારોએ પોતાની વિરુદ્ધ હત્યાના કેસ (IPC-302) જાહેર કર્યા છે જ્યારે 28 ઉમેદવારોએ પોતાની વિરુદ્ધ હત્યાના પ્રયાસના કેસ (IPC-307) જાહેર કર્યા છે. 29 ઉમેદવારો એવા છે જેમણે મહિલાઓ પર અત્યાચાર સંબંધિત કેસ જાહેર કર્યા છે.
આ 29માંથી એક ઉમેદવાર સામે બળાત્કાર સંબંધિત કેસ (IPC-376) નોંધાયેલ છે. આ ઉપરાંત કુલ 10 ઉમેદવારો એવા છે જેમણે ઉશ્કેરણીજનક ભાષણ સંબંધિત કેસ જાહેર કર્યા છે. 227 ઉમેદવારો કરોડપતિ છે,
પાંચમા તબક્કાના 10 માંથી 5 સપા ઉમેદવારો સામે ફોજદારી કેસ છે. જ્યારે, શિવસેનાના છમાંથી ત્રણ, AIMIMના ચારમાંથી બે, ભાજપમાંથી 40માંથી 19, કોંગ્રેસમાંથી 18માંથી આઠ, TMCના સાતમાંથી ત્રણ, શિવસેના (UBT)ના આઠમાંથી ત્રણ અને આરજેડીના પાંચ ઉમેદવારોમાંથી એક સામે ફોજદારી કેસ નોંધાયા છે.
પાંચમાં તબક્કામાં 695માંથી 227 ઉમેદવારો કરોડપતિ છે, જ્યારે ભાજપના 36 ઉમેદવારો કરોડપતિ છે. AIMIMના ચારમાંથી બે ઉમેદવારો કરોડપતિ છે. ચૂંટણી એફિડેવિટમાં આ ઉમેદવારોમાંથી એક કરોડથી પણ વધુની સંપત્તી જાહેર કરી છે.
લોકસભા ચૂંટણી 2024ના પાંચમાં તબક્કામાં દરેક ઉમેદવારની પાસે સરેરાસ 3.56 કરોડની પ્રોપર્ટી છે. પક્ષદીઠ આંકડા પર નજર કરીએ તો એનસીપી (શરદ પવાર જુથ)ના બે ઉમેદવારોની સૌથી વધુ સરેરાશ 54.64 કરોડની સંપત્તી છે.
ALSO READ: લોકસભા ચૂંટણીઃ નાશિકની બેઠક પર શિંદે અને ઠાકરેના ઉમેદવાર પર સૌની નજર
પાંચમા તબક્કામાં સૌથી વધુ સંપત્તિ જાહેર કરનાર ઉત્તર પ્રદેશના ઝાંસીથી ભાજપના ઉમેદવાર અનુરાગ શર્મા છે. તેમણે કુલ 212 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. આ મામલે અપક્ષ નિલેશ ભગવાન સાંભરે બીજા ક્રમે છે.
મહારાષ્ટ્રની ભિવંડી સીટ પરથી ચૂંટણી લડી રહેલા સાંભરેએ પોતાના સોગંદનામામાં 116 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. ત્રીજા સૌથી અમીર ઉમેદવાર કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર પીયૂષ ગોયલ છે.
મહારાષ્ટ્રની ઉત્તર મુંબઈ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ગોયલ પાસે 110 કરોડ રૂપિયાની સંપત્તિ છે. બીજી તરફ એક ઉમેદવારે પોતાની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે. જ્યારે ત્રણ ઉમેદવારોએ તેમની સંપત્તિ અનુક્રમે રૂ 67, રૂ 700 અને રૂ 5427 જાહેર કરી છે.
ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો, 293 (42 ટકા) ઉમેદવારોએ 5 થી 12માં અભ્યાસ કર્યો છે. 349 (50 ટકા) ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત સ્નાતક અને તેથી વધુ જાહેર કરી છે. 26 ઉમેદવારો ડિપ્લોમા ધારક છે. 20 ઉમેદવારો સાક્ષર છે જ્યારે પાંચ ઉમેદવારો પણ અભણ છે.
જો આપણે ઉમેદવારોની ઉંમરના આંકડા જોઈએ તો 207 (30 ટકા) ઉમેદવારોની ઉંમર 25 થી 40 વર્ષની વચ્ચે છે. 384 (55 ટકા) ઉમેદવારોની ઉંમર 41 થી 60 વર્ષની વચ્ચે છે. 103 (15 ટકા) ઉમેદવારો 61 થી 80 વર્ષની વય જૂથના છે.
એક ઉમેદવારે પોતાની ઉંમર 82 વર્ષ જણાવી છે. જો આપણે પાંચમા તબક્કાની ચૂંટણીમાં મહિલાઓના પ્રતિનિધિત્વ પર નજર કરીએ તો 695માંથી 82 મહિલા ઉમેદવારો એટલે કે માત્ર 12 ટકા છે.