દેશમાં નવા ફોજદારી કાયદા થયા લાગુ, ગૃહ પ્રધાન શાહ બોલ્યા-‘હવે પીડિતને જલ્દી ન્યાય મળશે’

નવી દિલ્હીઃ સોમવારથી દેશભરમાં ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે, જે ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં દૂરગામી ફેરફારો લાવશે. આ કાયદાઓ અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે આ કાયદાથી પીડિતને હવે જલ્દી ન્યાય મળશે. અંગ્રેજોએ બનાવેલા કાયદાઓ રદ કરવામાં આવ્યા છે. આજથી દરેક પોલીસ સ્ટેશનમાં નવો કાયદો અમલમાં આવ્યો છે. આ કાયદા પીડિતોના અધિકારોનું રક્ષણ કરશે. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ માટે તેમાં નવા વિભાગની જોગવાઈ છે.
અમિત શાહે સ્પષ્ટતા કરી હતી કે ભારત દેશ પર રાજ કરવા માટે અંગ્રેજોએ કાયદા બનાવ્યા હતા, જેમાં આરોપીને સજા આપવા પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો. હવે દેશના નવા કાયદા અમલી બન્યા છે, જેમાં પીડિતને ન્યાય આપવા પર વધુ ભાર આપવામાં આવ્યો છે. નવા કાનૂનોમાં વિલંબને બદલે ઝડપી સુનાવણીની જોગવાઈ છે. આઝાદીના 77 વર્ષ બાદ ફોજદારી ન્યાય પ્રણાલી સંપૂર્ણપણે સ્વદેશી બની રહી છે. અંગ્રેજોના જમાનાના કાયદામાં પોલીસના અધિકારોનું રક્ષણ કરવામાં આવતું હતું, હવે ભારતના નવા ફોજદારી કાનૂનમાં પીડિત અને ફરિયાદીના અધિકારોનું રક્ષણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : પુણે પહોંચશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ
નવા કાનૂનમાં મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓને પણ ઓળખવામાં આવ્યા છે. મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓને લગતા 35 વિભાગો અને 13 જોગવાઈઓ ધરાવતું આખું પ્રકરણ ઉમેરવામાં આવ્યું છે. નવા કાનૂનોમાં મહિલા અધિકારીઓ અને તેના પરિવારના સભ્યોની હાજરીમાં પીડિતાનું નિવેદન લેવાની જોગવાઈ કરવામાં આવી છે. ખોટા વચનો આપીને અથવા તેમની ઓળખ છુપાવીને લોકોનું શોષણ કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે એક અલગ ગુનો બનાવવામાં આવ્યો છે. સામૂહિક બળાત્કાર માટે 20 વર્ષની સજા અથવા આજીવન કેદ, સગીર સાથે બળાત્કાર માટે મૃત્યુદંડની સજાની જોગવાઇ કરવામાં આવી છે. ઘણી એવી કાનૂની જોગવાઈઓ હતી જે બ્રિટિશ યુગથી વિવાદમાં હતી. નવા કાનૂનોમાં તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કાનૂની જોગવાઈઓ હેઠળ પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે. સર્ચ અને દરોડાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે.
અમિત શાહે જણાવ્યું હતું કે રાજદ્રોહને બદલે દેશદ્રોહની વ્યાખ્યા કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, “રાજદ્રોહ એક કાયદો હતો જે અંગ્રેજોએ તેમના શાસનને બચાવવા માટે બનાવ્યો હતો. મહાત્મા ગાંધી, તિલક મહારાજ, સરદાર પટેલ, આ બધાએ આ કાયદા હેઠળ છ વર્ષની જેલની સજા ભોગવી હતી.