કુદરતી આફતોમાં પાયમાલ થયેલા નેપાળને બેઠું કરવા ભારત કરશે આ મદદ
નવી દિલ્હી: નેપાળમાં ગત વર્ષે આવેલા વિનાશક ભૂકંપને પગલે અર્થતંત્રને મોટો ફટકો પહોંચ્યો છે. જેમાંથી તેને બેઠું કરવા ભારત તેને આર્થિક સહાય આપશે. ભારત તરફથી નેપાળને 1000 કરોડ નેપાળી રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ગુરૂવારે નેપાળ પહોંચેલા વિદેશપ્રધાન એસ. જયશંકરે નેપાળના રાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. તેમણે નેપાળની ત્રિભુવન યુનિવર્સિટીનું લોકાર્પણ કર્યું હતું. તેમજ નેપાળના વિદેશ પ્રધાન એનપી સૌદ સાથે મળીને તેમણે અનેક શિક્ષણ, સંસ્કૃતિ તથા આરોગ્યલક્ષી અનેક પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
વિદેશપ્રધાને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમે નેપાળની જનતાની પડખે ઉભા રહીશું અને નેપાળ સરકારના પ્રયાસોમાં અમે અમારું યોગદાન પણ આપીશું,” નેપાળે ભૂકંપ બાદના પુન: નિર્માણના કાર્યોમાં આવાસ, શિક્ષણ, આરોગ્ય અને સાંસ્કૃતિક વારસાના ક્ષેત્રોને પ્રાથમિકતા આપી હતી. ભારતે આ પ્રયાસોમાં $1 બિલિયનનું યોગદાન આપ્યું હતું. આ રકમમાં $250 મિલિયનની ગ્રાન્ટ તથા $750 મિલિયનની ક્રેડિટનો સમાવેશ થાય છે.
વિદેશપ્રધાને જણાવ્યું હતું કે નવેમ્બર 2021માં 50,000 મકાનો બનાવવાનો ભારત સમર્થિત પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો હતો, જ્યારે શિક્ષણ ક્ષેત્રમાં ગ્રાન્ટ સહાય સાથે હાથ ધરવામાં આવેલા તમામ 71 પુનઃનિર્માણ પ્રોજેક્ટ પણ પૂર્ણ કરવામાં આવ્યા હતા. ગયા નવેમ્બરમાં પશ્ચિમ નેપાળમાં આવેલા ભૂકંપને કારણે થયેલી ગંભીર જાનહાનિ અને વિનાશને પગલે ભારતે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને નેપાળને 48 કલાકની અંદર રાહત સામગ્રીઓ પહોંચાડવાનું શરૂ કર્યું હતું. ભારત તરફથી નેપાળને અત્યાર સુધીમાં પાંચ તબક્કામાં સહાય પૂરી પાડવામાં આવી છે.
“તાજેતરના વર્ષોમાં નેપાળ અને ભારત વચ્ચેના સંબંધોમાં ભારે પરિવર્તન આવ્યું છે. બંને દેશોએ અનેક ક્ષેત્રોમાં ભાગીદારી વધારી છે, આ વખતની મારી નેપાળની મુલાકાત દરમિયાન અમે ઉર્જા ક્ષેત્ર સહિત અનેક ક્ષેત્રોમાં કરારો પર હસ્તાક્ષર કર્યા છે.”
“હું તમને ખાતરી આપું છું કે નેપાળને અમે અમારું અડગ સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ અને બંને દેશોના લોકોના સંપૂર્ણ લાભ માટે સંબંધોની સંભવિતતાને વધુ સમજવા માટે સમાન નિષ્ઠા સાથે કામ કરીશું,” તેવું ભારતીય વિદેશપ્રધાન એસ જયશંકરે ઉમેર્યું હતુ