રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર; કહ્યું, “દુર્ભાગ્યવશ, વડા પ્રધાન મોદી ડ્રોન ક્રાંતિને સમજવામાં નિષ્ફળ

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ યુદ્ધ ક્ષેત્રો અને અન્ય સ્થળોએ ડ્રોનની વર્તમાન ઉપયોગિતા પર વાત કરી. તેમણે કહ્યું ભારતમાં પ્રતિભા છે, પરંતુ યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે નવી ટૅક્નોલૉજીમાં ઔદ્યોગિક કૌશલ્યો વિકસિત કરવાની જરૂર છે.’
ટ્વીટર પર શેર કર્યો વિડીયો
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ યુદ્ધ ક્ષેત્રો અને અન્ય સ્થળોએ ડ્રોનની વર્તમાન ઉપયોગિતા પર વાત કરી. રાહુલ ગાંધીએ તેના ટ્વીટર હેન્ડલ પર ડ્રોન અને સંબંધિત ટેકનોલોજી પર એક વીડિયો અપલોડ કર્યો. તેમણે કહ્યું, ‘ડ્રોને યુદ્ધમાં ક્રાંતિ લાવી છે, બેટરી, મોટર્સ અને ઓપ્ટિક્સને સંયોજિત કરીને યુદ્ધક્ષેત્રમાં ચાલાકી અને સંદેશાવ્યવહારને અભૂતપૂર્વ રીતે સક્ષમ કરી શકાય છે. પરંતુ ડ્રોન માત્ર એક ટૅક્નોલૉજી નથી, તે એક મજબૂત ઔદ્યોગિક પ્રણાલી દ્વારા ઉત્પાદિત બોટમ-અપ ઇનોવેશન છે.’
Also read: મહાકુંભમાં રાહુલ ગાંધીની હિંદુ ધર્મમાંથી બહિષ્કાર કરવાની માગ ઉઠી
વડા પ્રધાન મોદી સમજવામાં નિષ્ફળ
રાહુલ ગાંધીએ કહ્યું કે આ ક્રાંતિ ફક્ત યુદ્ધ વિશે નથી. તે ઉદ્યોગ, AI અને ટેકનોલોજીની આગામી પેઢી વિશે છે. તેમણે કહ્યું, ‘દુર્ભાગ્યવશ, વડા પ્રધાન મોદી આ સમજવામાં નિષ્ફળ ગયા છે. જ્યારે તેઓ AI પર ટેલિપ્રોમ્પ્ટરની મદદથી ભાષણો આપે છે. આપના પ્રતિસ્પર્ધકો નવી ટેકનોલોજીમાં મહારથ મેળવી રહ્યા છે. તેમણે કહ્યું કે સાચી શક્તિ ફક્ત ડ્રોન બનાવવામાં જ નહીં, પરંતુ ઇલેક્ટ્રિક મોટર્સ, બેટરી, ઓપ્ટિક્સ અને ઉત્પાદન નેટવર્કને નિયંત્રિત કરવામાં પણ રહેલી છે.
ભારતમાં અઢળક પ્રતિભા
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં અઢળક પ્રતિભા અને પ્રેરણા છે પરંતુ આપણને ખાલી શબ્દો કરતાં કઈક વધારાની આવશ્યકતા છે. આપણને એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ અને વાસ્તવિક ઔદ્યોગિક કુશળતાની જરૂર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતના યુવાનો માટે આગળ આવવાનો અને એ સુનિશ્ચિત કરવાનો સમય આવી ગયો છે કે ભારત પાછળ ન રહી જાય.