લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના મડાગાંઠનો આવ્યો અંત, ચીનના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી
LAC પર ભારત અને ચીન વચ્ચે 2020 થી ચાલી રહેલી મડાગાંઠનો અંત આવ્યો છે. ભારતમાં ચીનના રાજદૂતે સોમવારે 21 ઓક્ટોબર 2024ના રોજ વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ ચીને મંગળવારે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે બંને સૈન્ય વચ્ચેના મડાગાંઠને સમાપ્ત કરવા માટે ભારત સાથે સમજૂતી થઈ છે.
ચીનની આ પુષ્ટિ બાદ હવે બંને સેનાઓ પૂર્વ લદ્દાખમાં તેમના જૂના સ્થળો પર પરત ફરશે. આ પહેલા સોમવારે ભારતીય વિદેશ સચિવે પણ આની જાહેરાત કરી હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી બંને દેશો ભારત-ચીન સરહદને લઈને રાજદ્વારી અને સૈન્ય સ્તરે સતત વાત કરી રહ્યા છે. હવે બંને પક્ષો આ મુદ્દે સહમત થયા છે અને અમે આ અંગે ભારત સાથે મળીને કામ કરીશું.
સોમવારે જ્યારે બંને દેશો વચ્ચે વિવાદિત પેટ્રોલિંગ પોઈન્ટને લઈને સમજૂતી થઈ, ત્યારે વચ્ચેના સંબંધોમાં લાંબા સમયથી ચાલી રહેલો તણાવ નરમ પડ્યો હતો. આ કરાર અનુસાર ભારતીય સેના અહીં ફરીથી પેટ્રોલિંગ શરૂ કરી શકશે.
આ પણ વાંચો : માલદીવમાં પણ UPIનો જાદુ: સરકારના આ કદમથી ચીનની પડખેથી હટી ગયા મુઈઝ્ઝુ!
બ્રિક્સ સમિટ દરમિયાન પીએમ મોદી અને ચીનના વડાપ્રધાન શી જિનપિંગની સંભવિત બેઠકમાં આ સમજૂતીની રૂપરેખા પર ચર્ચા થઈ શકે છે. ભારતમાં ચીનના રાજદૂતે વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી છે. વડાપ્રધાન મોદી અને જિનપિંગ વચ્ચે છેલ્લી વાતચીત 2023માં દક્ષિણ આફ્રિકામાં BRICSની બેઠક દરમિયાન થઈ હતી. આ પહેલા 2020માં પીએમ મોદી અને શી જિનપિંગ જી-20 સમિટમાં સામેલ થયા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન બંને વચ્ચે કોઈ દ્વિપક્ષીય વાતચીત થઈ ન હતી. ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી ભૂ-રાજનીતિ (જિયોપોલિટિકલ) માં મહત્વપૂર્ણ ફેરફારો થયા છે અને પશ્ચિમી દેશો સાથે ચીનના સંબંધો હવે એટલા સરળ નથી રહ્યા. આ કારણે પણ ચીન બેક ફૂટ પર જોવા મળી રહ્યું છે.
નોંધનીય છે કે વર્ષ 2020 માં 15-16 જૂનની રાત્રે, ગલવાન ઘાટીમાં LAC પર ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં ભારત તરફથી એક કમાન્ડર સહિત 20 જવાનો શહીદ થયા હતા. જો કે, ચીને કેટલા ચીની સૈનિકો માર્યા તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપી નહોતી. ભારત તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે આ અથડામણમાં ઘણા ચીની સૈનિકોની પણ જાનહાનિ થઈ છે. બાદમાં ચીને કહ્યું હતું કે ગલવાનમાં તેના 4 સૈનિકો માર્યા ગયા હતા. ચાર દાયકામાં પહેલીવાર બંને દેશ આ રીતે સામસામે આવ્યા હતા.