ભારત હવે દક્ષિણ આફ્રિકા કે નામિબિયાથી નહિ આ દેશોમાંથી લાવશે Cheetah
નવી દિલ્હી : ભારત સરકાર દેશમાં ચિત્તાના(Cheetah)સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. જે અંતર્ગત છેલ્લા બે વર્ષમાં દક્ષિણ આફ્રિકા અને નામિબિયાથી ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાઓના મૃત્યુને કારણે સરકારની ચિંતા વધી છે. જેના પગલે હવે સરકાર પોતાના નિર્ણયમાં કેટલાક ફેરફાર કરી શકે છે. જેમાં સરકાર દક્ષિણ આફ્રિકા અને નામિબિયા સિવાય અન્ય દેશોમાંથી પણ ચિત્તા લાવવાનું વિચારી રહી છે. મળતી માહિતી મુજબ આનું મુખ્ય કારણ ભારતમાં ચિત્તાઓને થતી જૈવિક સમસ્યાઓ છે.
ભારતીય વાતાવરણને અનુરૂપ થવામાં મુશ્કેલી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત હવે સોમાલિયા, કેન્યા, તાન્ઝાનિયા અને સુદાન જેવા દેશોમાંથી ચિત્તા લાવી શકે છે. કારણ કે ઉત્તરીય અને દક્ષિણ ગોળાર્ધ વચ્ચે બાયો-રિધમમાં તફાવત છે. ભારત ઉત્તર ગોળાર્ધમાં છે જ્યારે દક્ષિણ આફ્રિકા અને નામિબિયા દક્ષિણમાં છે. આ કારણે ત્યાંથી ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાઓને ભારતીય વાતાવરણને અનુરૂપ થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.જેના લીધે તે મૃત્યુ પામે છે.
આ પણ વાંચો : હવે ટૂંક જ સમયમાં કચ્છ બનશે ચિત્તાનો મલક
ચિત્તાની ચામડી જાડી થઈ ગઈ હતી
મળતી માહિતી મુજબ, ગત વર્ષે આફ્રિકામાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે શિયાળાના કારણે ચિત્તાની ચામડી જાડી થઈ ગઈ હતી. જ્યારે ભારતમાં તે સમયે સખત ગરમી હતી. જેના કારણે 3 ચિત્તાને જાડી ચામડી નીચે ઘા થયા અને લોહીમાં ચેપ લાગવાથી તેમનું મૃત્યુ થયું.
મીડિયા એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર નામિબિયા અને દક્ષિણ આફ્રિકાના ચિત્તાની ચામડી જાડી થઈ ગઈ છે. જો કે, આ ચિત્તાઓના સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ ચાલી રહી છે તેમ છતાં ફરી એકવાર દક્ષિણ ગોળાર્ધના કેટલાક દેશોના નામ ચિત્તાઓની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. જો કે હજુ સુધી કોઈ ઔપચારિક સંપર્ક કરવામાં આવ્યો નથી.
ચિત્તાના મોતના કારણો શું છે?
સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર ગત વર્ષે 10 ઓગસ્ટના રોજ સ્ટીયરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં ચેરમેન રાજેશ ગોપાલે જણાવ્યું હતું કે, ચિત્તાના મૃત્યુનું કારણ પર્યાવરણ અને આબોહવા અનુસાર બાયો-રિધમને અનુરૂપ થવામાં લાગતો સમય માનવામાં આવે છે.