કેન્દ્ર સરકારે કેબ બુકિંગ એપમાં મહિલાઓની સુરક્ષા માટે નવો નિયમ જાહેર કર્યો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે કેબમાં મુસાફરી કરતી એકલી મહિલાઓની સુરક્ષા માટે નવો નિયમ જાહેર કર્યો છે. જેમાં હવે એપ-આધારિત કેબ સેવાઓ દ્વારા મહિલાઓને બુકિંગ સમયે મહિલા ડ્રાઈવર પસંદ કરવાનો વિકલ્પ પૂરો પાડવો પડશે. સરકારને મતે આ નિર્ણયથી મહિલાઓ સુરક્ષિત અને વધુ વિશ્વસનીય મુસાફરી કરી શકશે.
આ અંગે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આ નિર્દેશ મુજબ, મહિલા મુસાફરોને ફક્ત ત્યારે જ આ વિકલ્પ આપવામાં આવશે જો મહિલા ડ્રાઇવરો આ વિસ્તારમાં ઉપલબ્ધ હશે. આ સંપૂર્ણપણે ઉપલબ્ધતા પર આધારિત હશે. પરંતુ જ્યાં શક્ય હોય ત્યાં મહિલાઓને તેમના પસંદગીના ડ્રાઇવર પસંદ કરવાની વિકલ્પ આપવામાં આવશે.
રાજ્ય સરકારને પણ નિર્દેશ અપાયો
કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એપ-આધારિત કેબ સેવાઓ માટે આ નવા નિયમો લાગુ કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે. જો કે, આ નિયમો લાગુ કરવા માટે કોઈ સ્પષ્ટ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. અગાઉ, જુલાઈ 2025 માં, સરકારે મોટર વાહન એગ્રીગેટર્સ માટે મૂળભૂત માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં રાજ્યોને તેનો અમલ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.
સંપૂર્ણ ટિપ ડ્રાઇવરોને મળશે કંપની દાવો નહી કરી શકે
આ ઉપરાંત કેન્દ્ર સરકારે ડ્રાઇવરો સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. જેમાં હવે મુસાફરો કેબ રાઇડ પૂર્ણ થયા પછી સ્વેચ્છાએ ડ્રાઇવરને ટિપ આપી શકશે. આનો અર્થ એ છે કે ટિપ સંપૂર્ણપણે સ્વૈચ્છિક હશે અને બુકિંગ અથવા ટ્રિપમાં કોઈપણ રીતે ઉમેરવામાં આવશે નહીં. એપ્લિકેશનમાં ટિપિંગનો વિકલ્પ ટ્રિપ પૂર્ણ થયા પછી જ દેખાશે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરો પાસેથી મળેલી સંપૂર્ણ ટિપ ડ્રાઇવરની રહેશે અને કોઈપણ કંપનીનો તેના પર કોઈ દાવો રહેશે નહીં. આનાથી ડ્રાઇવરોની કમાણીમાં પારદર્શિતા આવશે અને તેમને પ્રોત્સાહન મળશે.



