ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

ભારતીયની હત્યામાં સામેલ Canadaનો પોલીસ અધિકારી આતંકીની સૂચિમાં, જાણો સમગ્ર મામલો

નવી દિલ્હી : ભારત અને કેનેડા( Canada) વચ્ચે રાજદ્વારી વિવાદ વધી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતે કેનેડા બોર્ડર સર્વિસ એજન્સી (CBSA)ના એક ઓફિસરને ભાગેડુ આતંકીઓની યાદીમાં સામેલ કર્યા છે. આતંકવાદીઓની યાદીમાં જે અધિકારીનું નામ સામેલ કરવામાં આવ્યું છે તેની ઓળખ સંદીપ સિંહ સિદ્ધુ તરીકે થઈ છે. ભારત આ ભાગેડુ આતંકવાદીને ભારતને સોંપવાની માંગ કરી રહ્યું છે. ભારતના આ પગલાથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવમાં વધુ વધારો થવાની આશંકા છે.

નિજ્જરની હત્યા બાદ ભારત-કેનેડા સંબંધોમાં તણાવ

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી રાજદ્વારી વિવાદ ચાલી રહ્યો છે. આ કારણે ભારતે કેનેડામાંથી તેના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા અને કેનેડાના રાજદ્વારીઓને પણ ભારતમાંથી પરત મોકલવામાં આવ્યા છે. જ્યારે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે આ અઠવાડિયે જાહેરમાં આક્ષેપ કર્યો હતો કે ભારતીય રાજદ્વારીઓ તેમના દેશની સરકાર સાથે તેમના વિશેની માહિતી શેર કરીને કેનેડામાં શીખ અલગતાવાદીઓને નિશાન બનાવી રહ્યા છે. ભારતે કેનેડાની સરકાર અને તેની પોલીસના આ આરોપો સામે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો અને આરોપોને વાહિયાત ગણાવીને ફગાવી દીધા હતા.

કેનેડિયન પોલીસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CBSA કર્મચારી અને પ્રતિબંધિત ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન (ISYF)ના સભ્ય સંદીપ સિંહ સિદ્ધુ પર પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. સંદીપ સિંહ સિદ્ધુના પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાન આતંકવાદી લખબીર સિંહ રોડે અને અન્ય ISI ઓપરેટિવ સાથે કથિત સંબંધો છે. સંદીપ સિંહે 2020 માં બલવિંદર સિંહ સંધુની હત્યામાં ભૂમિકા ભજવી હતી. શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતા બલવિંદર સિંહ સંધુ પંજાબના બળવા દરમિયાન ખાલિસ્તાની આતંકવાદીઓ સામેની લડાઈ અને યુએસ અને કેનેડામાં શીખ ફોર જસ્ટિસ (SFJ)ના નેતૃત્વ હેઠળ ખાલિસ્તાની લોકમતનો વિરોધ કરવા માટે જાણીતા હતા.

26 પ્રત્યાર્પણ અરજી કેનેડિયન સત્તાવાળાઓ પાસે પેન્ડિંગ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંદીપ સિંહ સિદ્ધુને CBSAમાં સુપરિન્ટેન્ડેન્ટના પદ પર પ્રમોશન આપવામાં આવ્યું હતું. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દાવો કર્યો છે કે કેનેડા સ્થિત ખાલિસ્તાની ઓપરેટિવ્સ, જેમાં સની ટોરન્ટો નામનો એક વ્યક્તિ અને પાકિસ્તાનમાં આશરો લેનાર આતંકવાદી લખબીર સિંહ રોડે સંધુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. હજુ એ સ્પષ્ટ નથી થયું કે ‘સની ટોરોન્ટો’ એ સંદીપ સિંહ સિદ્ધુનું હુલામણું નામ છે કે નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તાજેતરમાં જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકા કે તેથી વધુ સમયથી ભારત દ્વારા મોકલવામાં આવેલી ઓછામાં ઓછી 26 પ્રત્યાર્પણ અરજી કેનેડિયન સત્તાવાળાઓ પાસે પેન્ડિંગ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button