“અલગાવવાદીઓને મળી હતી ખુલ્લી છૂટ” PM ટ્રુડોનાં કાળમાં કેનેડા સાથે બગડેલા સંબંધો અંગે ભારતે શું કહ્યું?

નવી દિલ્હી: કેનેડાનાં વડા પ્રધાન ટ્રુડોનાં શાસનકાળમાં ભારત અને કેનેડાનાં સંબંધ ખૂબ જ વણસ્યા હતા. ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજજરની હત્યા બાદ કરવામાં આવેલા આક્ષેપો અને ત્યારબાદની સળંગ પરિસ્થિતિએ ભારત અને કેનેડાનાં સંબંધો પર અસર પાડી હતી. જો કે હવે કેનેડા સાથેના દ્વિપક્ષીય સંબંધો અંગે ભારતીય વિદેશ મંત્રાલયે મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું હતું કે ઉગ્રવાદી અને અલગતાવાદી તત્વોને આપવામાં આવેલી ઉદારતાને કારણે બંને દેશ વચ્ચે સંબંધો બગડ્યા હતા.
આ પણ વાંચો : ઈલોન મસ્કનું Grok ચેટબોટ હિન્દીમાં અપશબ્દો સાથે જવાબ આપી રહ્યું છે? IT મંત્રાલયે એક્સનો સંપર્ક કર્યો
અલગતાવાદીઓને આપેલી ઉદારતાથી સંબંધો બગડ્યા
શુક્રવારે ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડા સાથેના બગડેલા દ્વિપક્ષીય સંબંધો અંગે મોટું નિવેદન આપ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ‘ભારત-કેનેડા સંબંધોમાં બગાડ ઉગ્રવાદી અને અલગતાવાદી તત્વોને આપવામાં આવેલી ઉદારતાને કારણે થયો હતો.’ આશા છે કે આપણે પરસ્પર વિશ્વાસ અને સંવેદનશીલતાના આધારે સંબંધો ફરીથી મજબૂત કરી શકીશું. વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું આ નિવેદન કેનેડામાં સત્તા પરિવર્તન બાદ આવ્યું છે, જ્યાં માર્ક કાર્નીએ કેનેડાના વડા પ્રધાન તરીકે જસ્ટિન ટ્રુડોનું સ્થાન લીધું છે.
ભારત સાથેના સંબંધોને સુધારવાની તકો
શપથ ગ્રહણ કરતા પૂર્વે કેનેડાના વડા પ્રધાન કાર્નીએ કહ્યું હતું કે, “કેનેડા સમાન વિચારધારા ધરાવતા દેશો સાથે તેના વેપાર સંબંધોમાં વૈવિધ્ય લાવવા માંગે છે અને ભારત સાથેના સંબંધોને સુધારવાની તકો છે. વાણિજ્યિક સંબંધોની આસપાસ મૂલ્યોની સહિયારી ભાવના હોવી જોઈએ અને જો હું વડા પ્રધાન હોઉં, તો હું તેને બનાવવાની તકની રાહ જોઈશ.”
ભારતે સતત આરોપોને નકાર્યા
સપ્ટેમ્બર 2023માં જ્યારે ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ‘હાઉસ ઓફ કોમન્સ’માં મોટું નિવેદન આપ્યું ત્યારે પણ ભારત-કેનેડા સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે બ્રિટિશ કોલંબિયામાં ખાલિસ્તાન સમર્થક અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને ભારતીય એજન્ટો વચ્ચે સંભવિત જોડાણ હોવાના વિશ્વસનીય આરોપો છે. જોકે, ભારતે સતત આ આરોપોને નકારી કાઢ્યા હતા.
આ પણ વાંચો : Israel Gaza War : ઈઝરાયેલે ફરીથી ગાઝા પર એર સ્ટ્રાઈક કરી, ભારતે ચિંતા વ્યક્ત કરી
બે મૂળ ભારતીયને મંત્રીમંડળમાં સ્થાન
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે કેનેડાએ ભારત અને ભારતીય રાજદ્વારીઓ પર લગાવવામાં આવેલા ગંભીર આરોપોને સમર્થન આપવા માટે કોઈ પુરાવા આપ્યા નથી. આ વિવાદ બાદ બંને દેશોએ એકબીજા સામે કાર્યવાહી કરી અને પોતાના રાજદ્વારીઓને પરત બોલાવી લીધા હતા. કેનેડામાં માર્ક કાર્નીના વડા પ્રધાન પદની ધુરા સાંભળ્યા બાદ ભારત સાથેના સંબંધોમાં સુધારો થવાની આશા છે. તેમણે નવા મંત્રીમંડળમાં ઇન્ડો-કેનેડિયન અનિતા આનંદ અને દિલ્હીમાં જન્મેલા કમલ ખેડાને પણ સ્થાન આપ્યું છે.