ભારત-કેનેડાના સંબંધ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે: જયશંકર
નવી દિલ્હી: કેનેડાના અધિકારીઓએ ભારતની બાબતમાં કરેલી દખલગીરીની ચિંતાને ધ્યાનમાં રાખીને દેશમાં કેનેડાના રાજદૂતોની હાજરી બાબતે ભારતે સમાનતાની જોગવાઈ અમલમાં મૂકવાની વાત ઉચ્ચારી હોવાનું વિદેશ પ્રધાન એસ. જયશંકરે રવિવારે કહ્યું હતું. કેનેડામાં ભારતીય રાજદૂતોની સુરક્ષામાં સુધારો અને પ્રગતિ જોવા મળશે તો ભારત કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું ફરી શરૂ કરે એવી શક્યતા છે, એમ તેમણે કહ્યું હતું. ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપસિંહ નિજ્જરની જૂન મહિનામાં કરવામાં આવેલી હત્યામાં ભારત સરકારનો હાથ હોવાના કેનેડાના પ્રમુખ જસ્ટિન ટ્રૂડોએ ગયા મહિને આક્ષેપ કર્યા બાદ બંને દેશ વચ્ચેના સંબંધ વણસ્યા હતા.
ટ્રૂડોએ આક્ષેપ કર્યાના થોડા દિવસ બાદ ભારતે કેનેડાના નાગરિકોને વિઝા ન આપવાની જાહેરાત કરી હતી અને ભારતમાં કેનેડાના રાજદૂતોની સંખ્યા ઘટાડવા જણાવ્યું હતું.
ભારત-કેનેડા વચ્ચેના સંબંધ અંગે પૂછવામાં આવેલા પ્રશ્ર્નનો ઉત્તર આપતા જયશંકરે કહ્યું હતું કે કેનેડામાં ભારતીય રાજદૂતોની સુરક્ષામાં સુધારો અને પ્રગતિ જોવા મળશે તો ભારત કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું ફરી શરૂ કરશે. કેનેડાએ અત્યાર સુધીમાં ભારતસ્થિત તેના ૪૧ રાજદૂતને પાછા બોલાવી લીધા છે.
(એજન્સી)