ઇન્ટરનેશનલનેશનલ

હિંદુઓ પર અત્યાચાર કરતા પાડોશી દેશની મદદમાં ઘટાડો, અફઘાનિસ્તાન-શ્રીલંકાને વધારે મદદ

નવી દિલ્હી: ભારતે તેના નાણાકીય વર્ષ 2026-27ના કેન્દ્રીય બજેટમાં પાડોશી દેશોને પણ સહાય માટે ફાળવણી કરી છે. જો કે સરકારે પાડોશી દેશોની સહાયમાં અમુક દેશોને મળનારી સહાયમાં ઘટાડો કર્યો છે. આ શ્રેણીમાં હિન્દુઓ પર અત્યાચારમાં મોખરે રહેલા બાંગ્લાદેશનું નામ પ્રથમ ક્રમે છે. ભારત સરકારે બાંગ્લાદેશને મળનારી સહાયમાં અડધો અડધ ઘટાડો કરી નાખ્યો છે. આ નિર્ણય બંને દેશો વચ્ચેના સબંધો અને વણસી રહેલી સ્થિતિને લઈને લેવામાં આવ્યો છે.

વિસ્તારથી વાત કરીએ તો, ભારત સરકારે વર્ષ 2026-27ના કેન્દ્રીય બજેટમાં તેના પડોશી દેશોને આપવામાં આવતી વિકાસ સહાયના બજેટમાં મહત્વના ફેરફારો કર્યા છે. રાજદ્વારી સંબંધોમાં આવેલા તણાવની સીધી અસર બાંગ્લાદેશને મળતી સહાય પર જોવા મળી છે, જેમાં સરકારે 50%નો તોતિંગ ઘટાડો કરીને સહાયની રકમ માત્ર ₹60 કરોડ કરી દીધી છે. ઓગસ્ટ 2024માં શેખ હસીનાની સત્તા પરથી વિદાય બાદ બંને દેશો વચ્ચે સર્જાયેલા સ્થગિત સંબંધો આ ઘટાડાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. અગાઉના વર્ષે બાંગ્લાદેશ માટે ₹120 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જેની સામે આ વર્ષે ભારે કાપ મુકાયો છે.

બીજી તરફ, ભારત સરકારે અફઘાનિસ્તાન પ્રત્યે વ્હાલાની ભાવના દાખવીને સહાયમાં ₹50 કરોડનો વધારો કર્યો છે. કાબુલમાં તાલિબાન શાસન સાથે સંબંધો સુધારવાની દિશામાં ભારતે આર્થિક અને રાજદ્વારી વ્યૂહરચના બદલી છે, જેના ભાગરૂપે આ ફાળવણી વધારવામાં આવી છે.

આ ઉપરાંત શ્રીલંકા અને નેપાળ સાથેના સંબંધો મજબૂત કરવા બંને દેશોની સહાયમાં ₹100-100 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. નેપાળ ₹800 કરોડની સહાય સાથે ભારત પાસેથી મદદ મેળવનારા અગ્રણી દેશોમાં યથાવત રહ્યું છે, જ્યારે માલદીવની સહાયમાં ₹50 કરોડનો ઘટાડો કરીને તેને ₹500 કરોડ કરવામાં આવી છે.

ભારતીય સહાયનો સૌથી મોટો હિસ્સો પરંપરાગત ભેરુ ભૂટાનને ફાળવવામાં આવ્યો છે. ભૂટાન માટેનું બજેટ વધારીને ₹2,288 કરોડ કરવામાં આવ્યું છે. ભારત ભૂટાનમાં ઉર્જા ક્ષેત્રે રોકાણ વધારવા માટે ₹4,000 કરોડની ‘લાઇન ઓફ ક્રેડિટ’ પણ શરૂ કરી રહ્યું છે.

પુનેત્સાંગછૂ-II હાઈડ્રોપાવર પ્રોજેક્ટ પૂર્ણ થતા ભૂટાનની વીજ ઉત્પાદન ક્ષમતામાં 40% નો વધારો થયો છે. આ સાથે જ આર્થિક જોડાણ વધારવા માટે પશ્ચિમ બંગાળ અને આસામથી ભૂટાનને જોડતી બે નવી રેલવે લાઈનો નાખવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેની પાછળ ₹4,000 કરોડથી વધુનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button