નવી દિલ્હી: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં તેમના બજેટની શરૂઆતમાં મોદી સરકારની છેલ્લા 10 વર્ષની ઉપલબ્ધિઓની જાહેર કરતા કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં અર્થતંત્રમાં ઘણા સકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે. સરકારે કહ્યું હતું કે સબકા સાથ સબકા વિકાસ અને મોદી સરકારે તે જ રીતે તમામ વર્ગના લોકોનો વિકાસ થાય તેવા કાર્યો કર્યા છે. અને વિકાસની અસર દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે.
આજે ભારત વિશ્વ શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. આ ઉપરાંત ઘણી નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે અને યુવાનોમાં રોજગાર માટે પગલાં પણ લેવામાં આવ્યા છે. ગામડાંઓમાં આવાસ, પાણી, રાંધણગેસથી લઈને દરેકના બેંક ખાતા ખોલવા સુધીના કામ થયા છે અને ખૂબજ ઝડપથી થયા છે. તેમણે ખાસ એ બાબત પર ભાર મૂક્યો હતો કે જે રીતે દેશ આર્થિક સુધારા સાથે આગળ વધી રહ્યો છે, તે જોતાં એ કહેવું અતિશયોક્તિ નથી કે 2047 સુધીમાં અમારી સરકાર ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવશે. મોદી સરકાર એકદમ પારદર્શિતા સાથે કામ કરી રહી છે.
વડા પ્રધાન મોદી જાણે છે કે ગરીબો, મહિલાઓ અને ખેડૂતોના વિકાસ અને પ્રગતિમાં જ સરકારની પ્રગતિ જોડાયેલી છે. આ તમામ લોકો સશક્ત થાય તેવી યોજનાઓ બનાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે ગરીબોનું કલ્યાણ એટલે દેશનું કલ્યાણ. નાણા પ્રધાને બજેટ દરમિયાન મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં હાંસલ કરેલી સિદ્ધીઓ ગણાવી હતી.
- 78 લાખ લોકોને PM સ્વાનિધિ યોજનાનો લાભ મળ્યો છે.
- 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે.
- સરકાર જીડીપી પર ધ્યાન આપી રહી છે અને તેની અસર દેખાઈ રહી છે.
- મુદ્રા યોજના હેઠળ મહિલાઓને 30 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે.
- પીએમ આવાસ હેઠળ 70 ટકાથી વધુ ઘર મહિલાઓને આપવામાં આવી રહ્યા છે.
- સામાન્ય લોકોની સરેરાશ આવકમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે.
- નાણાકીય ક્ષેત્રને મજબૂત કરવા માટે કામ કરવામાં આવ્યું છે.
- સરકારે ટ્રિપલ તલાક નાબૂદ કરવાનું કામ કર્યું છે.
- કોવિડ વખતે જ્યારે વિશ્વ ગંભીર સંકટનો સામનો કરી રહ્યું હતું ત્યારે ભારતે સૌથી ઝડપી પ્રગતિ કરી હતી.
- GST દ્વારા એક રાષ્ટ્ર એક બજાર બનાવવા માટે કામ કામ કરવામાં આવ્યું છે.
- પીએમ આવાસ હેઠળ ત્રણ કરોડ ઘર બનાવવામાં આવ્યા અને બીજા બે કરોડ ઘર બનાવવામાં આવશે.
આ ઉપરાંત બજેટમાં કેટલીક જાહેરાતો કરતા જણાવ્યું હતું કે બજેટમાં સર્વાઇકલ કેન્સર માટે માટે રસીકરણને પ્રોત્સાહન આપવામાં આવશે તેમજ 9-14 વર્ષની વયની દીકરીઓને વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવશે.
ફક્ત સ્ત્રીઓ અને છોકરીઓ માટે નવી યોજનાઓ અને કાર્યક્રમો કરવામાં આવશે. અત્યાર સુધીમાં 1 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે. પહેલા આનો લક્ષ્યાંક 2 કરોડ હતો જે હવે વધારીને 3 કરોડ કરવામાં આવ્યો છે.