નેશનલ

I.N.D.I.A ગઠબંધનની ભોપાલ રેલી રદ

કૉંગ્રેસે તેની યોજના બનાવી લીધી

ભોપાલઃ ભોપાલમાં યોજાનારી વિપક્ષી ગઠબંધન I.N.D.I.A ની પ્રથમ રેલી રદ કરવામાં આવી છે. એક દિવસ પહેલા સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભોપાલમાં મહાગઠબંધનની મોટી રેલી થશે, પરંતુ હવે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા કમલનાથે સ્પષ્ટ કર્યું છે કે ભોપાલમાં ગઠબંધનની રેલી રદ કરવામાં આવી છે. મહાગઠબંધનની આગામી રેલી ક્યાં અને ક્યારે યોજાશે તે અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. દરમિયાનમાં આગામી મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ તેની યોજના બનાવી લીધી છે. કોંગ્રેસની સાત જન આક્રોશ યાત્રા 19 સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચતુર્થીથી શરૂ થશે.

દરમિયાન, મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે દાવો કર્યો હતો કે સનાતન ધર્મ વિરુદ્ધ ડીએમકે નેતાઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર “જાહેર આક્રોશ” ને કારણે આ પગલું લેવામાં આવ્યું હતું. આ અઠવાડિયાની શરૂઆતમાં, વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ એ કહ્યું હતું કે તે ભોપાલમાં રેલીનું આયોજન કરશે. આ ગઠબંધનમાં કોંગ્રેસ અને અન્ય 25થી વધુ પાર્ટીઓ સામેલ છે.


આ સપ્તાહની શરૂઆતમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવારના નિવાસસ્થાને મળેલી બેઠક બાદ, વિપક્ષી ગઠબંધને ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ભોપાલમાં તેની પ્રથમ સંયુક્ત રેલી યોજવાનું નક્કી કર્યું હતું. પવારના નિવાસસ્થાને મળેલી બેઠક બાદ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે રેલી વધતી કિંમતો, બેરોજગારી અને ભાજપ સરકાર હેઠળ ભ્રષ્ટાચાર પર ધ્યાન કેન્દ્રિત કરશે.


ઇન્ડિયા ગઠબંધન રેલીને રદ કરવા અંગે કમલનાથના નિવેદન પર પ્રતિક્રિયા આપતા, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહે સનાતન ધર્મ વિરુદ્ધ ટિપ્પણીઓ પર લોકોના આક્રોશ અને ગુસ્સાનું કારણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આ જનતાનો ગુસ્સો છે. તમે સનાતન ધર્મને ડેન્ગ્યુ અને મેલેરિયા કહો છો. મધ્યપ્રદેશના લોકો સનાતન ધર્મનું અપમાન સહન નહીં કરે. વિપક્ષી ગઠબંધનને ડર હતો કે લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરશે અને તેથી તેમણે વિપક્ષી ગઠબંધનની રેલી રદ કરી છે.”


તાજેતરમાં દ્રવિડ મુનેત્ર કઝગમના નેતાઓ ઉદયનિધિ સ્ટાલિન અને એ રાજાએ દાવો કર્યો હતો કે સનાતન ધર્મએ સમાજમાં વિભાજન પેદા કર્યું છે. સનાતન ધર્મ ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના વાઈરસ જેવો છે. તેને નાબૂદ કરવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button