ભારતે ન્યૂ ઝિલેન્ડને ચાર વિકેટે હરાવ્યું
ફરી એકવાર કોહલી કિંગ
ધર્મશાલા: વર્લ્ડ કપમાં ભારતે ન્યૂ ઝિલેન્ડને ચાર વિકેટથી હરાવ્યું હતું. ભારતે વર્લ્ડ કપમાં સતત પાંચમી જીત મેળવી હતી. ભારતે છ વિકેટ ગુમાવીને ૨૭૪ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ભારતની જીતનો હીરો વિરાટ કોહલી રહ્યો હતો. તેણે ૯૫ રનની શાનદાર ઇનિંગ રમી હતી. શમીએ આ પહેલા પાંચ વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં હજુ પણ અજેય છે. આ જીત સાથે ભારતીય ટીમના ૧૦ પોઈન્ટ થઈ ગયા છે અને ભારત પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. ન્યૂ ઝિલેન્ડને તેની પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે અને આ ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.આ મેચમાં ન્યૂ ઝિલેન્ડે પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૨૭૩ રન કર્યા હતા. રોહિત શર્માએ ૪૬ રન અને રવિન્દ્ર જાડેજાએ અણનમ ૩૯ રન બનાવ્યા હતા. શ્રેયસે ૩૩ રન, રાહુલે ૨૭ રન અને ગિલે ૨૬ રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂ ઝિલેન્ડ તરફથી લોકી ફર્ગ્યુસને બે વિકેટ ઝડપી હતી. બોલ્ટ-હેનરી અને સેન્ટનરને એક-એક વિકેટ મળી હતી. ભારતીય ટીમની આગામી મેચ ૨૯ ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સાથે થશે.