નેશનલ

ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું

સતત છઠ્ઠા વિજય સાથે પોઇન્ટ ટેબલમાં ટોચ પર

લખનઊ: વન-ડે વર્લ્ડ કપની 29મી મેચમાં ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. લખનઊના ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 50 ઓવરમાં નવ વિકેટે 229 રન કર્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 34.5 ઓવરમાં 129 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં સતત છઠ્ઠી જીત હાંસલ કરી છે. આ સાથે જ ઈંગ્લેન્ડની છ મેચોમાં આ પાંચમી હાર છે. ભારતીય ટીમ હવે સેમિફાઈનલમાં સ્થાન મેળવવાની નજીક પહોંચી ગઇ છે. આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમ લગભગ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ ગઇ. રોહિત શર્માને શાનદાર ઇનિંગ્સ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. 230 રનના લક્ષ્યાંકનો પીછો કરવા આવેલી ઈંગ્લેન્ડની ખરાબ શરૂઆત રહી હતી. ટીમ માટે લિયામ લિવિંગસ્ટોને સૌથી વધુ 27 રન કર્યા હતા. ડેવિડ મલાને 16, ડેવિડ વિલીએ અણનમ 16, મોઈન અલીએ 15, જોની બેયરસ્ટોએ 14, આદિલ રશીદે 13, જોસ બટલર અને ક્રિસ વોક્સે 10-10 રન કર્યા હતા.
ભારતના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને મોહમ્મદ શમીએ ચાર વિકેટ ઝડપી હતી. અનુભવી
જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવને બે અને રવિન્દ્ર જાડેજાને એક સફળતા મળી હતી.
અગાઉ ભારતે ઈંગ્લેન્ડને 230 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 229 રન કર્યા હતા. ભારત માટે રોહિત શર્માએ 87 રન કર્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવે 49 રનની ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ વિલીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.
આ પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર શુભમન ગિલ 9 રન કરીને આઉટ થયો હતો. જ્યારે વિરાટ કોહલી શૂન્ય રન પર પેવેલિયન પરત ફર્યો હતો. શ્રેયસ અય્યરે 16 બોલમાં 4 રન કર્યા હતા. ટીમ ઇન્ડિયાએ 40 રન પર ત્રણ વિકેટ ગુમાવી હતી, પરંતુ આ પછી રોહિત શર્મા અને કેએલ રાહુલ વચ્ચે સારી ભાગીદારી જોવા મળી હતી. બંને ખેલાડીઓએ ચોથી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી. કેએલ રાહુલ 58 બોલમાં 39 રન કરીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજા 8 રન કરીને આઉટ થયો હતો.
ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ વિલીએ ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય ક્રિસ વોક્સ અને આદિલ રાશિદને 2-2 સફળતા મળી હતી. માર્ક વૂડે 1 વિકેટ ઝડપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button