
નવી દિલ્હી: પહેલગામ આતંકી હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં છે અને પાકિસ્તાનની કમર તોડવા માટેની તૈયારી કરી રહી છે. ભારતે પાકિસ્તાન સામે ઘણા નિર્ણયો લીધા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની અસર હવે દરિયાઈ પરિવહન પર દેખાઈ રહી છે. ભારત સરકારે નિર્ણય લીધો છે કે હવે પાકિસ્તાની ધ્વજ હોય તેવા કોઈપણ વેપારી જહાજને ભારતીય બંદરોમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
પાકિસ્તાની ધ્વજ વાળા જહાજોના પ્રવેશ પર પ્રતિબંધ
મળતી વિગતો અનુસાર બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે પાકિસ્તાની ધ્વજ વાળા જહાજોને ભારતીય બંદરોમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે, ભારતીય ધ્વજવાળા જહાજોને પાકિસ્તાની બંદરો પર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે અનેક કડક પગલાં લીધાં છે અને તાજેતરનો આદેશ આ જ શ્રેણીનો એક ભાગ છે.
શું કહ્યું મંત્રાલયે?
ભારતીય સંપત્તિ, કાર્ગો અને બંદર માળખાના રક્ષણ માટે મર્ચન્ટ શિપિંગ એક્ટ, 1958 ની કલમ 411 હેઠળ તાત્કાલિક અસરથી આ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે, આ કાયદાનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય હિતોની સેવા માટે શ્રેષ્ઠ શક્ય રીતે ભારતીય વેપારી શિપિંગના વિકાસ અને કાર્યક્ષમ જાળવણીને પ્રોત્સાહન આપવાનો છે. સુરક્ષાને મજબૂત બનાવવા અને ભારતના દરિયાઈ હિતોને સુનિશ્ચિત કરવાના પ્રયાસોના ભાગ રૂપે, આ આદેશ આગામી સૂચના સુધી અમલમાં રહેશે.
પાકિસ્તાની માલ પર પ્રતિબંધ
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારનો આ આદેશ માત્ર સીધી આયાત-નિકાસને જ નહીં, પણ પાકિસ્તાનમાંથી આવતા ટ્રાન્ઝિટ ઉત્પાદનો પર પણ લાગુ પડશે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, “પાકિસ્તાનથી આયાત કરવામાં આવેલા તેમજ નિકાસ કરાયેલ કોઈપણ માલ, પછી ભલે તે સીધો આવતો હોય, કોઈપણ અન્ય માધ્યમથી આવતો હોય, અથવા સામાન્ય રીતે આયાત માટે પરવાનગી આપવામાં આવતી હોય તે હવે આગામી આદેશો સુધી પ્રતિબંધિત રહેશે. જો કોઈ ખાસ પરિસ્થિતિમાં આ પ્રતિબંધમાંથી મુક્તિ જરૂરી હોય, તો ભારત સરકારની પૂર્વ પરવાનગી લેવી પડશે.
આપણ વાંચો : પાકિસ્તાનમાં ફફડાટ યથાવત્ઃ સર્જિકલ સ્ટ્રાઈક માટે આ શહેર ફર્સ્ટ ટાર્ગેટ હશે?