
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. દેશમાં ડુંગળીની વધતી માંગ અને વધતા ભાવને કારણે સરકારે આ નિર્ણય લીધો છે. હાલમાં આ પ્રતિબંધ આવતા વર્ષના માર્ચ મહિના સુધી લગાવવામાં આવ્યો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ(DGFT) દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 31 માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જો કે, DGFTના નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેટલાક દેશોમાં માંગના આધારે કેન્દ્ર સરકારની પરવાનગીથી ડુંગળીની નિકાસ કરી શકાશે. ડુંગળીના શિપમેન્ટ, જેનું લોડિંગ આ સૂચના જાહેર થયા પહેલા શરૂ થઇ ગયું હોય તેને નિકાસ કરવાની મંજૂરી છે.
વધુમાં જણાવાવમાં આવ્યું કે, જો શિપિંગ બિલ ફાઇલ કરવામાં આવ્યું છે અને ડુંગળીના લોડિંગ માટે ભારતીય બંદરોમાં જહાજો પહેલેથી જ બુક કરવામાં આવ્યા છે, આ સૂચના પહેલાં તેમના રોટેશન નંબરની ફાળવણી કરવામાં આવી છે, એવા શિપમેન્ટને નિકાસ માટે પણ મંજૂરી આપવામાં આવશે.
હાલમાં દેશમાં 60 રૂપિયા પ્રતિ કિલોના રિટેલ ભાવે ડુંગળી વેચાઈ રહી છે. ઓગસ્ટમાં સરકારે ડુંગળીની નિકાસ ઘટાડવા માટે તેના પર 40 ટકા નિકાસ જકાત લાદી હતી. આ ઓર્ડર 31 ડિસેમ્બર 2023 સુધીનો હતો. જો કે, કેન્દ્ર સરકારે ડુંગળીની ‘બેંગલોર રોઝ’ જાતને નિકાસ જકાતમાંથી મુક્તિ આપી હતી. આ ડુંગળી બેંગ્લોર અને કર્ણાટક પ્રદેશની આસપાસ ઉગાડવામાં આવે છે અને તેને 2015 માં GI ટેગ મળ્યો હતો.
કિંમતોને અંકુશમાં રાખવા માટે સરકારે અગાઉ અનેક પગલાં લીધાં હતા. સરકારે આ વર્ષે 28 ઓક્ટોબરના રોજ 31 ડિસેમ્બર સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિ ટન USD 800 ની લઘુત્તમ નિકાસ કિંમત (MEP)ની મર્યદા લાદી હતી. સરકારે 31 ડિસેમ્બર સુધી ડુંગળી પર 40 ટકા નિકાસ જકાત પણ લાદી હતી.
ચાલુ નાણાકીય વર્ષમાં 1 એપ્રિલથી 4 ઓગસ્ટની વચ્ચે દેશમાંથી 9.75 લાખ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી, મૂલ્યની દ્રષ્ટિએ ટોચના ત્રણ આયાત કરનારા દેશો બાંગ્લાદેશ, મલેશિયા અને UAE હતા. ચાલુ ખરીફ સિઝનમાં ડુંગળીના કવરેજમાં વિલંબના અહેવાલો વચ્ચે ડુંગળીના ભાવમાં વધારો થવા લાગ્યો છે. ડુંગળી રાજકીય રીતે પણ સંવેદનશીલ કોમોડિટી છે.