ભારતે ડ્રોનની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યોઃ કેન્દ્રીય પ્રધાન રામ મોહન નાયડુ

અમરાવતીઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કે. રામ મોહન નાયડુએ આજે જણાવ્યું હતું કે ભારતે સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે ડ્રોનની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આંધ્ર પ્રદેશના અમરાવતી ખાતે બે દિવસીય રાષ્ટ્રીય ડ્રોન શિખર સંમેલનને સંબોધતા નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું હતું કે સરકારે ડ્રોનની આયાત પર પ્રતિબંધ એટલા માટે મુક્યો છે, કારણ કે તે ઇચ્છતી નથી કે ભારતની કિંમત પર કોઇ અન્ય દેશ અથવા કંપનીને ફાયદો થાય.
નાયડુએ કહ્યું હતું કે “અમે ડ્રોનની કુલ આયાત પર પ્રતિબંધ મુક્યો છે, અમે તે શા માટે કર્યું? અમે આ ડ્રોન સેક્ટરમાં વધુ સ્ટાર્ટઅપ્સને આવવા માટે પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે આ દેશના લોકો ડ્રોનનું ઉત્પાદન કરે. અમે ડ્રોનની આયાત કરવા માંગતા નથી. આ અંગેનો લાભ કોઈ અન્ય દેશ અથવા કોઈ અન્ય કંપનીને આપવા માંગતા નથી.
કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર સરકાર ઈચ્છે છે કે દેશના યુવા અને પ્રતિભાશાળી લોકો દેશના સ્વદેશી સમાધાનો પુરા કરવા માટે નવા પ્રકારના ડ્રોન વિકસિત કરે, તેથી આ માનસિકતા સાથે અમે આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.
ઉડ્ડયન મંત્રીએ એ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે કેન્દ્ર સરકારે ડ્રોન ઇકોસિસ્ટમ માટે નિયમોને ઉદાર બનાવ્યા છે અને 27 કંપનીઓને પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) યોજનાનો લાભ મેળવવા સક્ષમ બનાવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત ડ્રોન હબ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે સરકાર આ ઉદ્યોગને વધુ આગળ વધારવા માંગે છે.
આ પણ વાંચો: એમવીએ અને મહાયુતીમાં ફાયનલ થયું સિટ શેરિંગ? કોના ભાગે શું આવ્યું જાણો…
તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં આંધ્ર પ્રદેશમાં એક ડ્રોન હબની સંભાવના છે. અમે એ સુનિશ્વિત કરવા માંગીએ છીએ કે આંધ્રપ્રદેશ પોતાની ક્ષમતા અનુસાર વિકાસ કરે. સરકાર ખાતરી કરવા માંગે છે કે દક્ષિણનું રાજ્ય વિશ્વમાં ડ્રોન હબ તરીકે ઉભરી આવે. આ મેગા-ડ્રોન સમિટમાં ડ્રોન હેકાથોન, પ્રદર્શનો અને ઉદ્યોગ નિષ્ણાતો ભાગીદારી કરશે. સમિટમાં 1,711 પ્રતિનિધિ અને 1,306 મુલાકાતી ભાગ લે તેવી અપેક્ષા છે.