
નવી દિલ્હી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર એ આતંક વિરુદ્ધ ભારતની નીતિ છે. ત્યારે ભારતે વૈશ્વિક મંચ પર આતંકવાદ વિરુદ્ધ પોતાની મજબૂત નીતિ રજૂ કરવા અને પાકિસ્તાનના આતંકવાદી ઇરાદાઓનો પર્દાફાશ કરવા માટે રાજદ્વારી અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત 33 દેશોમાં 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે આજથી મે થી 5 જૂન 2025 સુધી વિવિધ દેશોની મુલાકાત લેશે. આ અભિયાનનો ઉદ્દેશ પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી ભારતની આતંકવાદ પ્રત્યેની ઝીરો ટોલરન્સ નીતિને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો છે.
પ્રથમ પ્રતિનિધિમંડળ આજે રવાના થશે
આ અંતર્ગત આજે 21 મેના રોજ શિવસેના સાંસદ શ્રીકાંત એકનાથ શિંદેના નેતૃત્વમાં પ્રથમ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સંયુક્ત આરબ અમીરાત(UAE)જવા રવાના થઈ રહ્યું છે. આ પ્રતિનિધિમંડળમાં ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજ, અતુલ ગર્ગ, મનન કુમાર મિશ્રા, પૂર્વ કેન્દ્રીય મંત્રી એસએસ અહલુવાલિયા, આઈયુએમએલ સાંસદ ઇટી મોહમ્મદ બસીર, બીજેડી સાંસદ સસ્મિત પાત્રા અને પૂર્વ રાજદ્વારી સુજન ચિનોય સામેલ છે. યુએઈ પછી બીજી ટીમ 24 મેના રોજ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, 28 મેના રોજ સિએરા લિયોન અને 31 મેના રોજ લાઇબેરિયાની મુલાકાત લેશે.
7 પ્રતિનિધિમંડળો એક મિશન
ભારત આ મિશન હેઠળ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોને 7 જૂથોમાં વહેંચવામાં આવ્યા છે જે મધ્ય પૂર્વ, અમેરિકા, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની મુલાકાત લેશે. તેમની આગેવાની ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદ, બૈજયંત પાંડા, જેડીયુ સાંસદ સંજય ઝા, કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, ડીએમકે સાંસદ કનિમોઝી, એનસીપી (શરદ પવાર)ના સાંસદ સુપ્રિયા સુલે અને શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદે કરી રહ્યા છે. દરેક જૂથમાં 7 થી 8 સંસદસભ્યો અને ભૂતપૂર્વ રાજદ્વારીઓનો સમાવેશ થાય છે જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી અને અસ્થાયી સભ્યો સહિત અન્ય મહત્વપૂર્ણ દેશો સુધી ભારતનો સંદેશ પહોંચાડશે.
પ્રતિનિધિમંડળ મહત્વપૂર્ણ દેશો સુધી ભારતનો સંદેશ પહોંચાડશે
પ્રતિનિધિમંડળ 3 જેડીયુ સાંસદ સંજય ઝાના નેતૃત્વમાં, પ્રતિનિધિમંડળ 22 મેના રોજ જાપાન, 24 મેના રોજ દક્ષિણ કોરિયા, 27 મેના રોજ સિંગાપોર, 28 મેના રોજ ઇન્ડોનેશિયા અને 31 મેના રોજ મલેશિયાની મુલાકાત લેશે. આમાં ભાજપના સાંસદો અપરાજિતા સારંગી, બ્રિજલાલ, પ્રદાન બરુઆ, ડૉ. હેમાંગ જોશી, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી, સીપીએમ સાંસદ જોન બ્રિટાસ, કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદ અને રાજદ્વારી મોહન કુમારનો સમાવેશ થાય છે.
પ્રતિનિધિમંડળ 6 ડીએમકે સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં રશિયા જશે
પ્રતિનિધિમંડળ 6 ડીએમકે સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ 22 મેના રોજ રશિયા, 25 મેના રોજ સ્લોવેનિયા, 27 મેના રોજ ગ્રીસ, 29 મેના રોજ લાતવિયા અને 31 મેના રોજ સ્પેનની મુલાકાત લેશે. આમાં સમાજવાદી પાર્ટીના રાજીવ રાય, નેશનલ કોન્ફરન્સના મિયાં અલ્તાફ અહેમદ, ભાજપના કેપ્ટન બ્રિજેશ ચોટા, આરજેડીના પ્રેમચંદ ગુપ્તા, આપ સાંસદ અશોક કુમાર મિત્તલ અને રાજદ્વારીઓ મંજિવ પુરી અને જાવેદ અશરફનો સમાવેશ થાય છે.
વિદેશ સચિવે પ્રતિનિધિમંડળોને માહિતી આપી
મંગળવારે, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ત્રણેય પ્રતિનિધિમંડળોને માહિતી આપી. તેમને પહલગામ હુમલા, ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામની માંગ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. પ્રતિનિધિઓને કહેવામાં આવ્યું હતું કે તેઓ પાકિસ્તાનના આતંકવાદમાં સંડોવણીના 40 વર્ષના ઇતિહાસને વિશ્વ સમુદાય સમક્ષ રજૂ કરે. જેમાં 2008ના મુંબઈ હુમલા પછી ભારત દ્વારા પૂરા પાડવામાં આવેલા ડીએનએ પુરાવા અને કોલ રેકોર્ડ જેવા પુરાવાઓ પર તેની નિષ્ક્રિયતાનો સમાવેશ થાય છે.
આપણ વાંચો : યુદ્ધવિરામમાં ત્રીજા પક્ષની મધ્યસ્થા નહોતીઃ વિદેશ સચિવે કરી સ્પષ્ટતા