વેસ્ટ કોસ્ટ રિફાઇનરી પ્રોજેક્ટ ઝડપથી આગળ વધારવા ભારત અને સાઉદી અરેબિયા સંમત
નવી દિલ્હી: ભારત અને સાઉદી અરેબિયાએ સોમવારે પચાસ અબજ અમેરિકન ડૉલરના વેસ્ટ કોસ્ટ રિફાઇનરી પ્રોજેક્ટનો અમલ ઝડપી બનાવવાનો નિર્ણય લીધો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ સઉદ વચ્ચેની મંત્રણામાં ઊર્જા, સંરક્ષણ, સેમિ ક્નડક્ટર અને અવકાશ સંશોધનના ક્ષેત્રોમાં સહકાર વધારવાનો નિર્ણય લેવાયો હતો.
ઇન્ડિયા-સાઉદી અરેબિયા સ્ટે્રટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલની પહેલી મિટિંગમાં બન્ને પક્ષો હાઈડ્રોકાર્બન્સ રિલેશનશિપનું હાલનું સ્ટેટસ `કૉમ્પ્રિહેન્સિવ એનર્જી પાર્ટનરશિપ’માં બદલવા સંમત થયા હતા. દ્વિપક્ષી મંત્રણા દરમિયાન ડિજિટાઇઝેશન અને ઇન્વેસ્ટમેન્ટ સહિત બહુવિધ ક્ષેત્રોમાં આઠ કરાર પર સહીસિક્કા કરવામાં આવ્યા હતા. સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે અરામ્કો, ઍડનોક અને ભારતીય કંપનીઓના ત્રિપક્ષી સહકારથી હાથ ધરવામાં આવનારા વેસ્ટ કોસ્ટ રિફાઇનરી પ્રોજેક્ટના વહેલા અમલમાં સંપૂર્ણ સહકારની બાંયધરી બન્ને પક્ષોએ આપી હતી. મંત્રણામાં ઊર્જા, સંરક્ષણ, સલામતી, શિક્ષણ, ટૅક્નોલૉજી, ટ્રાન્સપોર્ટેશન, હૅલ્થકૅર, પર્યટન અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સહકાર માટે સંમતી સાધવામાં આવી હતી. (એજન્સી)