સીટ વહેંચણીને લઈને ઇન્ડિયા ગઠબંધનમાં વધ્યો વિવાદ
નવી દિલ્હીઃ ઈન્ડિયા એલાયન્સની જ્યારથી રચના થઇ છે ત્યારથી ભેગા થયેલા વિભિન્ન પક્ષોમાં કંઇને કંઇ વાતે વિવાદ અને મતમતાંતર જોવા મળી રહ્યું છે, જેનો કોઇ અંત જ આવતો નથી. લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારને માત આપવાના એક માત્ર હેતુથી રચાયેલા આ ગઠબંધનની અત્યાર સુધી ત્રણ બેઠકો થઈ છે.
ગઠબંધનનું નામ નક્કી થયું છે. આ ગઠબંધનમાં પક્ષોની સંખ્યા લગભગ નક્કી થઈ ગઈ છે. પ્રચાર પણ નક્કી થઈ ગયો છે. વિવિધ સમિતિઓની રચના પણ થઈ ગઇ છે. બસ ત્યાર બાદ તેઓ અટકી ગયા છે તેમની ગાડી આગળ નથી વધી રહી. તેઓ નક્કી કરી શક્યા નથી કે ગઠબંધનના બધા પક્ષો એકસાથે જ તમામ ચૂંટણી લડશે કે માત્ર લોકસભાની ચૂંટણી જ લડશે અને આ જ મુદ્દો તેમની વચ્ચે વિખવાદનું કારણ બન્યો છે, જેની ચર્ચા થઇ રહી છે.
ટૂંક સમયમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાન સભાની ચૂંટણી છે. આ પાંચે રાજ્યમાં 7 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી મતદાન થવાનું છે અને મતગણતરી 3 ડિસેમ્બરે થશે. ઇન્ડિયા ગઠબંધનનો ભાગ એવી આમ આદમી પાર્ટી દરેક રાજ્યમાં ચૂંટણી લડી રહી છે અને સમાજવાદી પાર્ટી કહી રહી છે કે જ્યારે ગઠબંધન થાય તો તે રાજ્યની ચૂંટણીઓ પર પણ લાગુ થવું જોઈએ, અલગથી લડવું યોગ્ય નથી.
હાલમાં જ કૉંગ્રેસે પણ મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તમામા બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા હતા. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ કોંગ્રેસના આવા વલણથી નારાજ હતા. ગઠબંધનના મોટા મોટા પક્ષો હુંસાતુંસીમાં પડ્યા છએ, ત્યારે ગઠબંધનના નાના નાના પ્રાદેશિક પક્ષોની વાત કોણ સાંભળે? તેમને તો લોકસભાની ચૂંટણીમાં પણ તેમના ઉમેદવાર ઊભા રાખવા મળશે કે કેમ એ પણ શંકા છે.
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજયે એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સપાએ મોટું દિલ બતાવવું જોઈતું હતું, પેટાચૂંટણીમાં અમે તેમને અમારું સમર્થન આપ્યું હતું, તેઓએ મધ્યપ્રદેશમાં ગઠબંધન ધર્મનું પાલન કરવું જોઈએ કારણ કે કોંગ્રેસ મધ્યપ્રદેશમાં મજબૂત સ્થિતિમાં છે. પરંતુ બંને પક્ષો તરફથી જે પ્રકારની વાતો કરવામાં આવી રહી છે તેનાથી એવું લાગી રહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનમાં ઘણી મૂંઝવણ છે.
એમ લાગે છે કે ઇન્ડિયા ગઠબંધનમાં સીટ વહેંચણીની જે ફોર્મ્યુલા પર પહેલા ચર્ચા થવી જોઈતી હતી, તે ક્યારેય થઇ જ નથી અને વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ અલગ અલગ તૈયારી કરી રહ્યા છે, જે જોતા એવી શંકા જાગે છે કે આ સંઘ કાશીએ પહોંચશે કેવી રીતે?