17 માર્ચે મુંબઈમાં I.N.D.I.A. ગઠબંધનની રેલીઃ નિર્ધારિત સમય પહેલા પૂરી થશે ‘ભારત જોડો ન્યાય યાત્રા’
મુંબઈ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ની આગેવાનીમાં નીકળેલી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ 16 માર્ચે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સમાપ્ત થશે. (Bharat Jodo Nyay Yatra Mumbai) બીજા દિવસે એટલે કે 17 માર્ચે વિપક્ષી પાર્ટીઓનું INDIA ગઠબંધન મુંબઈમાં રેલી કરવા જઈ રહ્યું છે. જેમાં I.N.D.I.A. એલાયન્સના તમામ નેતાઓ ભાગ લેવાના છે.
ભારત જોડો ન્યાય યાત્રા તેના નિર્ધારિત સમયના ચાર દિવસ પહેલા સમાપ્ત થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે તેની પાછળ લોકસભા ચૂંટણીની તૈયારીઓ હોઈ શકે છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને રેલીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
જો કે, ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરી, 2024 ના રોજ ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરથી શરૂ થઈ હતી. શેડ્યૂલ મુજબ, તે 20 માર્ચે સમાપ્ત થવાનું હતું. જો કે, હવે આ યાત્રા 4 દિવસ પહેલા 16મી માર્ચે પૂરી થઈ રહી છે. આ રીતે કોંગ્રેસની આ યાત્રા 62 દિવસ સુધી ચાલવાની છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. આ યાત્રામાં કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. આ સિવાય પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ તેનો હિસ્સો બન્યા છે.
રાહુલની ન્યાય યાત્રા મધ્યપ્રદેશ બાદ રાજસ્થાન થઈને ગુજરાત પહોંચવા જઈ રહી છે. અહીંથી યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે અને પછી માલેગાંવ, નાસિક, થાણે થઈને મુંબઈમાં સમાપ્ત થશે. આ પ્રવાસમાં મોટા ભાગની મુસાફરી બસ દ્વારા કરવામાં આવી છે. મોટાભાગના પ્રસંગોએ રાહુલ પગપાળા મુસાફરી કરતા જોવા મળ્યા છે.
ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા:
7 માર્ચે રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતનાં ઝાલોદમાં યાત્રા પ્રવેશ કરશે. જ્યાં રાહુલ ગાંધી પોતાની પ્રથમ જનસભા ઝાલોદમાં સંબોધશે. ત્યાર બાદ બીજા દિવસે (8 માર્ચે) દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદ યાત્રા કરશે. ઇન્ટરનેશનલ વુમન્સ ડેના પણ કાર્યક્રમોનું આયોજન છે. ત્યારબાદ 10 માર્ચે તાપીના વ્યારામાં કલ્ચરલ પ્રોગ્રામ અને કોર્નર બેઠકમાં રાહુલ ગાંધી ભાગ લેશે. ત્યાર બાદ 10 માર્ચે જ નવાપુરાથી જ ભારત જોડો ન્યાય યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.