સરકારને ઘેરવા 'INDIA' ગઠબંધનની ઓનલાઈન બેઠક: આટલા મુદ્દા પર PM મોદીના જવાબની માંગ...
નેશનલ

સરકારને ઘેરવા ‘INDIA’ ગઠબંધનની ઓનલાઈન બેઠક: આટલા મુદ્દા પર PM મોદીના જવાબની માંગ…

નવી દિલ્હી: વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના સાથી પક્ષોની ઓનલાઈન બેઠક થવાની છે. આ બેઠકમાં સંસદના ચોમાસું સત્રમાં સરકારને ઘેરવાની સહિયારી રણનીતિ અને દેશની વર્તમાન રાજનીતિક સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકના એક દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ શુક્રવારે ઇન્ડિયા ગઠબંધનથી અંતર બનાવી લીધું હતું અને કહ્યું હતું કે તે આ વિપક્ષી ગઠબંધનનો હિસ્સો નથી અને તેના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યો હતો.

વિપક્ષની શું છે માંગ?
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે ચોમાસું સત્ર દરમિયાન પહલગામ આતંકી હુમલા બાદ હુમલાખોરોને હજુ સુધી પકડથી દૂર, ઓપરેશન સિંદૂર મુદ્દે અમુક સૈન્ય અધિકારીઓનો ખુલાસા, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતા સબંધિત દાવાઓ અને ચીનના વિષય પર ઓછામાં ઓછા બે દિવસની ચર્ચાની માંગ પર કોઈ સમજુતી નહી થઇ શકે.

વિપક્ષના પ્રશ્નોનો વડા પ્રધાન જવાબ આપે
કોંગ્રેસ નેતા જયરામ રમેશએ મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વિપક્ષ એ પણ માંગ કરશે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં આવીને વિવિધ મુદ્દાઓ પર જવાબ આપે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સંસદમાં ગતિરોધ ટાળવાની અને કાર્યવાહી સુચારુ રૂપે ચલાવવાની જવાબદારી વિપક્ષની નહીં, પરંતુ સરકારની છે.

શા માટે ઓનલાઈન બેઠકનું આયોજન?
ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસું સત્ર ૨૧ જુલાઈથી આરંભ થઇ રહ્યું છે અને ૨૧ ઓગષ્ટ સુધી કુલ ૨૧ બેઠકો પ્રસ્તાવિત છે. વિપક્ષી પાર્ટીઓની આ બેઠક શનિવારે સાંજે સાત વાગ્યે ઓનલાઈન માધ્યમથી થશે. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની બેઠક ઘણા લાંબા સમય બાદ યોજાઈ રહી છે. આ બેઠક પહેલા મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાવાની હતી પરંતુ અમુક નેતાઓની અનુપસ્થિતિને કારણે હવે આ બેઠકને ડીજીટલ રીતે બોલાવવામાં આવી છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button