I.N.D.I.A એલાયન્સની બેઠક પહેલા જાણો આ મોટા નેતાઓના નિવેદનો…
નવી દિલ્હી: વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aના ટોચના નેતાઓની ચોથી બેઠક 19મી ડિસેમ્બરે એટલે કે આજે દેશની રાજધાની દિલ્હીમાં યોજાવાની છે. I.N.D.I.A એલાયન્સની આ ચોથી બેઠક પહેલા ઘણા મુદ્દાઓ પર શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે. I.N.D.I.A એલાયન્સમાં સામેલ પાર્ટીઓના કેટલાક નેતાઓના પોત પોતાની રીતે નિવેદનો આપી રહ્યા છે. જેના કારણે ઘણા સવાલો ઊઠી રહ્યા છે.
લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે અમે પશ્ચિમ બંગાળ, દિલ્હી, દરેક જગ્યાએ અમારી લડાઈ લડી રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ પણ I.N.D.I.A ગઠબંધનમાં એક ઘટક પક્ષ છે પરંતુ તેમની પોતાની પાર્ટીઓ છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે દરેકની પોતાની માંગણીઓ હશે. આ બાબતને પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને આમ આદમી પાર્ટી સાથે દિલ્હીમાં સીટ વહેંચણીની ચર્ચા સાથે જોડવામાં આવી રહી છે.
શિવસેના યુબીટી ચીફ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઠબંધનના સંયોજકની પ્રશંસા કરી હતી. I.N.D.I.A એલાયન્સની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચેલા ઉદ્ધવે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે જ્યારે આપણે બધાએ સાથે બેસીને સંયોજક નક્કી કરવા જોઈએ. ઉદ્ધવના આ નિવેદન પહેલા શિવસેનાના મુખપત્ર સામનાએ તેના સંપાદકીયમાં કહ્યું હતું કે I.N.D.I.A ગઠબંધનને મોદી વિરુદ્ધ એક ચહેરાની જરૂર છે,
શિવસેના યુબીટી સાંસદ અનિલ દેસાઈએ પણ આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે I.N.D.I.A ગઠબંધનમાં 29 પાર્ટીઓ સામેલ છે. હવે એવા ચહેરાની જરૂર છે જે આ તમામ પક્ષો સાથે સંકલન કરીને આગામી ચૂંટણીઓ અને અન્ય બાબતો અંગે નિર્ણયો લે.
ત્યારે JDU ધારાસભ્ય ધીરેન્દ્ર પ્રતાપ સિંહે નીતિશ કુમારને વડા પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું હતું કે નીતિશને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવશે તો જ ફાયદો થશે. નીતીશ કુમાર I.N.D.I.A ગઠબંધનમાં સ્વચ્છ છબી ધરાવતા એકમાત્ર નેતા છે.
બિહાર સરકારમાં જેડીયુ ક્વોટાના મંત્રી જામા ખાને નીતીશ કુમારની પીએમ પદની ઉમેદવારીને લોકોનો કોલ ગણાવ્યો છે અને કહ્યું હતું કે દેશ આ જ ઈચ્છે છે. કરોડો લોકો ઈચ્છે છે કે નીતીશ કુમાર દિલ્હી પહોંચીને દેશની કમાન સંભાળે.