નવી દિલ્હીઃ બે પક્ષ એક ચૂંટણીમાં સાથે હોય અને બીજી ચૂંટણીમાં એકબીજાની હરીફાઈ કરે તે સમજ્યા, પણ એક જ ચૂંટણીમાં બે પક્ષ અમુક બેઠકો પર સાથે અને અમુક બેઠકો પર સ્પર્ધા કરે તેવો ઘાટ હાલ ઈન્ડિયા (I.N.D.I.A.) ગઠબંધનમાં ઘડાયો છે.
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને વિપક્ષી ઈન્ડિયા (I.N.D.I.A.) ગઠબંધનમાં સીટ શેરિંગની વાતો રોજ છાપે ચડે છે. યુપી, હરિયાણા, ગુજરાત અને ગોવામાં તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી અને ચંદીગઢમાં કોંગ્રેસ અને અન્ય ઘટક પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ કેટલાક રાજ્યો એવા છે જ્યાં ગઠબંધનના બે પક્ષો સામસામે હશે. આથી દરેક રાજ્યમાં અલગ અલગ ચિત્ર હશે.
પાંચ રાજ્યમાં કોંગ્રેસ અને દિલ્હી-પંજાબની સત્તાધારી આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. આ બંને પક્ષો દિલ્હી અને ચંદીગઢના કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ હરિયાણા, ગોવા અને ગુજરાતમાં ગઠબંધન કરીને ચૂંટણી લડશે. પરંતુ પંજાબમાં બંને પક્ષો એકબીજાને પડકાર આપતા જોવા મળશે.
આવી જ સ્થિતિ ડાબેરી અને કોંગ્રેસના ગઠબંધનમાં પણ ઊભી થશે. કોંગ્રેસ અને ડાબેરીઓ બિહારથી લઈને પશ્ચિમ બંગાળ સુધી એકસાથે ચૂંટણી લડશે, જ્યારે કેરળમાં, જ્યાં ડાબેરીઓ સત્તામાં છે, બંને પક્ષોના નેતાઓ અને ઉમેદવારો એકબીજાને હરાવવાના પ્રયાસો કરતા જોવા મળશે.
આવું જ ચિત્ર તૃણમૂલ કોંગ્રેસ સાથે પણ જોવા મળે છે. પશ્ચિમ બંગાળમાં સીટ વહેંચણીને લઈને ટીએમસી અને કોંગ્રેસ વચ્ચેની વાતચીત કંઈ પરિણામ લાવી શકી નથી. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને ટીએમસીના વડા મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ કહ્યું છે કે અમે એકલા હાથે ચૂંટણી લડીશું. એક તરફ ટીએમસી પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડવાની વાત કરી રહી છે તો બીજી તરફ તે મેઘાલય અને ઉત્તર પ્રદેશ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં પણ પોતાના માટે સીટો ઈચ્છે છે. એવી પણ ચર્ચા છે કે ટીએમસી યુપીમાં તેના પ્રવક્તા લલિતેશ પાટી ત્રિપાઠી માટે સીટ ઈચ્છે છે.
ક્યાંક દોસ્ત અને ક્યાંક દુશ્મન એવી સ્થિતિ જનતાને તો પછી પણ પહેલા કાર્યકરો અને પક્ષને જ કનડી રહી છે. ખાસ કરીને પ્રચાર કરતી વખતે ક્યા રાજ્યમાં હાથ પ્રશંસા કરવી અને ક્યાં પ્રહારો કરવા તે સમજની બહાર છે. ગુજરાતમાં જે આપને સારી કહી હોય તેને પંજાબમાં ખરાબ કહેવાની અને પંજાબમાં જે પક્ષ પર ચાબખાં માર્યા હોય તેને દિલ્હીમાં સારો પક્ષ કહેવાનો. આ બધા વચ્ચે એક પણ ભૂલ આખો ખેલ ખતમ કરી શકે તેમ છે.
બીજી બાજુ ભાજપ ખૂબ જ વ્યૂહાત્મક રીતે આગળ વધી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો, તેમની દસ વર્ષની સિદ્ધિઓ અને ભાજપનું સંગઠન હેટ્રિક કરવા તમામ પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે ઈન્ડિયા ગઠબંધનમાં હજુ કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કૂછ પતા નહીં.