નેશનલ

મહાનગરોમાં ટ્રાફિક જામની સમસ્યા થશે ખતમઃ ‘એર ટેક્સી’ના ટેસ્ટિંગનો શુભારંભ, એકસાથે છ લોકો કરી શકશે મુસાફરી…

બેંગલુરુ: દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, અમદાવાદ સહિત દેશના અનેક મેટ્રો શહેરોમાં રસ્તાઓ પર લાગતા કલાકોના ટ્રાફિક જામનો ઉકેલ હવે આકાશમાં દેખાઈ રહ્યો છે. મહાનગરોમાં દિવસે દિવસે ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે, જેનાથી જાહેર પરિવહન વ્યવસ્થાનું પણ ભારણ વધ્યું છે. ભારતીય એરોસ્પેસ સ્ટાર્ટઅપ ‘સરલા એવિએશન’એ તેની મહત્વકાંક્ષી એર ટેક્સી યોજના હેઠળ પ્રથમ ગ્રાઉન્ડ ટેસ્ટિંગ શરૂ કરીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ તેના બેંગલુરુ સ્થિત મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે આ પરીક્ષણ શરૂ કર્યું છે, જે ભારતના ખાનગી એરોસ્પેસ ક્ષેત્ર માટે એક મોટું સીમાચિહ્ન માનવામાં આવે છે.

2028 સુધીમાં લોન્ચ કરવામાં આવશે
ડિજિટલ ડિઝાઇનથી વાસ્તવિકતા તરફ પ્રયાણ સરલા એવિએશનનો એર ટેક્સી પ્રોગ્રામ હવે ડિજિટલ કોન્સેપ્ટ અને લેબ પ્રયોગોમાંથી બહાર આવીને વાસ્તવિક પરીક્ષણના તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે. આ ગ્રાઉન્ડ ટેસ્ટિંગ દ્વારા એરક્રાફ્ટની એન્જિનિયરિંગ ક્ષમતા અને તેની સિસ્ટમની મજબૂતીની ચકાસણી કરવામાં આવી રહી છે. કંપનીનું લક્ષ્ય વર્ષ 2028 સુધીમાં સ્થાનિક મુસાફરી માટે ઇલેક્ટ્રિક એર ટેક્સી લોન્ચ કરવાનું છે.

મજબૂત નિયમોને આધારે ડિઝાઈન કર્યું
માત્ર 9 મહિના જેટલા ટૂંકા ગાળામાં અને વૈશ્વિક ધોરણોની સરખામણીએ ખૂબ જ ઓછા રોકાણમાં આ મુકામ પર પહોંચવું એ કંપની માટે કોઈ સરળ બાબત નથી. હાલમાં પરીક્ષણ હેઠળનું ‘SYL-X1’ એ માત્ર એક પ્રોટોટાઇપ નથી, પરંતુ તેને પ્રમાણપત્રના કડક ધોરણોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ સબ-સ્કેલ એરક્રાફ્ટ ભવિષ્યના 15 મીટર પાંખ ધરાવતા ફુલ-સ્કેલ એરક્રાફ્ટ માટે પાયો તૈયાર કરશે.

ટકાઉ એવિયેશન મોડલ તૈયાર કરવાનો ઉદ્દેશ
વૈશ્વિકસ્તરનું ભારતીય એન્જિનિયરિંગ કંપનીના સહ-સ્થાપક અને સીટીઓ રાકેશ ગોંકરે જણાવ્યું હતું કે, આ સિદ્ધિ દર્શાવે છે કે જ્યારે વૈશ્વિક અનુભવ ધરાવતા ભારતીય એન્જિનિયરો વિશ્વ-સ્તરના ધોરણો સાથે કામ કરે છે ત્યારે શું શક્ય છે. કંપનીનો હેતુ માત્ર પ્રથમ બનવાનો નથી, પરંતુ એક એવું ટકાઉ એવિએશન મોડલ તૈયાર કરવાનો છે, જે લાંબા સમય સુધી કાર્યક્ષમ રહે.

મુસાફરીનો સમય પણ ઘટાડવામાં આવશે
ઉલ્લેખનીય છે કે કંપનીએ પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે 13 મિલિયન ડોલરનું ફંડિંગ પણ એકત્ર કર્યું છે. 6 સીટર ઇલેક્ટ્રિક ટેક્સી સરલા એવિએશનની ફ્લેગશિપ એર ટેક્સી 6-સીટર ઇલેક્ટ્રિક ફ્લાઇંગ મશીન હશે. તેને ખાસ કરીને બેંગલુરુ, મુંબઈ, દિલ્હી અને પુણે જેવા ગીચ શહેરોમાં મુસાફરીનો સમય ઘટાડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button