IQAir Report: ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રદૂષિત દેશ, ભારતનું આ શહેર સૌથી પ્રદુષિત શહેર

શિયાળા દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ(AQI) ઉપર જતાની સાથે વાયુ પ્રદુષણની ચર્ચા થાવા લાગે છે, પરંતુ દેશના અન્ય શહેરોમાં પણ વાયુ પ્રદુષણનું સ્તર ગંભીર સ્તરથી પણ ઉપર છે. તાજેતરમાં સ્વિસ એર ક્વોલિટી મોનિટરિંગ બોડી IQAir દ્વારા બહાર પડવામાં આવેલા અહેવાલમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન પછી ભારતને ત્રીજા સૌથી પ્રદૂષિત દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
IQAirના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2023 અનુસાર, PM2.5ની 54.4 માઇક્રોગ્રામ પર ક્યુબ મીટરની સરેરાશ વાર્ષિક સાંદ્રતા સાથે, ભારત વર્ષ 2023માં 134 દેશોમાં બાંગ્લાદેશ (79.9 માઇક્રોગ્રામ પર ક્યુબ મીટર) અને પાકિસ્તાન (73.7 માઇક્રોગ્રામ પર ક્યુબ મીટર) પછી ત્રીજા ક્રમે સૌથી ખરાબ હવાની ગુણવત્તા ધરાવે છે.
આગાઉ 2022 માં આ યાદીમાં ભારતને PM2.5 સરેરાશ 53.3 માઇક્રોગ્રામ પર ક્યુબ મીટરની સાંદ્રતા સાથે દુનિયાના આઠમા સૌથી પ્રદૂષિત દેશ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. રીપોર્ટના આંકડા મુજબ છેલ્લા એક વર્ષ દરમિયાન ભારતમાં હવાની ગુણવતા કથડી છે.
વર્ષ 2023ના રિપોર્ટમાં વિશ્વના ટોચના 50 સૌથી વધુ પ્રદૂષિત શહેરોની યાદીમાં ભારતના જ 42 શહેરો છે. વિશ્વના ટોચના દસ સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 9 ભારતના છે. 2023માં બિહારનું બેગુસરાય વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર રહ્યું હતું, ત્યારબાદ ગુવાહાટી અને પછી દિલ્હીનો ક્રમ આવે છે.
બેગુસરાયમાં પ્રદુષણમાં નાટકીય વધારો નોંધાયો છે. ગત વર્ષે બેગુસરાયમાં PM 2.5ની સરેરાશ સાંદ્રતા માત્ર 19.7 માઇક્રોગ્રામ પર ક્યુબ મીટર નોંધાઈ હતી, 2022ના પ્રદુષિત શહેરોની રેન્કિંગમાં તેનું નામ પણ ન હતું. આ વર્ષે 118.9 માઇક્રોગ્રામ પર ક્યુબ મીટરની સાથે દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર બની ગયું છે.
ગુવાહાટીમાં PM2.5 સરેરાશ સાંદ્રતા 2022માં 51 નોંધાઈ હતી, જયારે અને 2023માં બમણી થઇને 105.4 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર નોંધાઈ હતી. જ્યારે આ જ સમયગાળામાં દિલ્હીમાં PM2.5 સાંદ્રતામાં 89.1 થી વધીને 92.7 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર થઇ હતી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી 2018 થી સતત ચાર વાર વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષિત રાજધાની રહી છે.
વિશ્વની યાદીમાં ટોચના 50 સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ગ્રેટર નોઈડા (11), મુઝફ્ફરનગર (16), ગુડગાંવ (17), અરાહ (18), દાદરી (19), પટના (20), ફરીદાબાદ (25), નોઈડા (26), મેરઠ (28), ગાઝિયાબાદ (35) અને રોહતક (47) નો સમાવેશ થાય છે.
IQAir અનુસાર, અહેવાલ 134 દેશોમાં 7,812 સ્થળો પરના 30,000 થી વધુ એર ક્વોલીટી મોનિટરિંગ સ્ટેશનોથી એકત્રિત કરવામાં આવેલા ડેટા પરથી તૈયાર કરવામાં આવ્યો છે.
2023 માં વિશ્વના ટોચના 5 સૌથી પ્રદૂષિત દેશોબાંગ્લાદેશ, પાકિસ્તાન, ભારત, તાજિકિસ્તાન અને બુર્કિના ફાસો છે.
WHOની વાર્ષિક PM2.5 માર્ગદર્શિકા (વાર્ષિક સરેરાશ 5 µg/m3 અથવા તેથી ઓછી)ને પૂર્ણ કરનારા સાત દેશોમાં ઓસ્ટ્રેલિયા, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ગ્રેનાડા, આઇસલેન્ડ, મોરેશિયસ અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે.
WHO અનુસાર, વાયુ પ્રદૂષણને કારણે વિશ્વભરમાં દર વર્ષે અંદાજિત 70 લાખ લોકોના અકાળે મૃત્યું થાય છે. PM2.5 વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાથી અસ્થમા, કેન્સર, સ્ટ્રોક અને ફેફસાના રોગ સહિત રોગ થઇ શકે છે. વાયુ પ્રદૂષણને કારણે બાળકોમાં સંજ્ઞાત્મક વિકાસમાં ઘટાડો થઈ શકે છે, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે અને ડાયાબિટીસ સહિત હાલના રોગોને જટિલ બનાવી શકે છે.
અંદાજ મુજબ ભારતના 1.36 અબજ લોકો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા સૂચવવામાં આવેલી PM2.5 ની 5 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની સાંદ્રતાથી વધુ સાંદ્રતા ધરાવતા વાતાવરણમાં શ્વાસ લે છે. આ સંખ્યા ભારતીની વસ્તીની 96 ટકા છે.