
નવી દિલ્હીઃ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ અને વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓના સારા પ્રદર્શનને કારણે દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ છ મહિનામાં ઝડપથી વધ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આ વાત કહી છે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ભારતને હજુ ઘણું કરવાની જરૂર છે અને 2025 સુધીમાં પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલરનું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય લગભગ અશક્ય છે. રાજને વધુમાં જણાવ્યું હતું કે ભારતનો મજબૂત વિકાસ દર હોવા છતાં ખાનગી રોકાણ અને ખાનગી વપરાશમાં વધારો થયો નથી.
“તેથી જો તમે જુઓ કે શા માટે ભારત આ વર્ષે આટલું સારું કરી રહ્યું છે, ભારતે આટલું સારું કર્યું છે તેનું એક કારણ એ છે કે વિશ્વ સારું કરી રહ્યું છે. દુનિયા પ્રગતિ કરી રહી છે,” એમ તેમણે કહ્યું હતું. રાજને વધુમાં જણાવ્યું હતું કે, “…પ્રથમ છ મહિનામાં આ ખૂબ જ મજબૂત વૃદ્ધિનું બીજું કારણ છે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારનો જબરદસ્ત ખર્ચ.”
ભારતે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકેનો દરજ્જો જાળવી રાખ્યો છે. સરકારી ખર્ચ અને મેન્યુફેક્ચરિંગની મજબૂતીને કારણે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 7.6 ટકા હતો. રાજને કહ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા વાર્ષિક સરેરાશ માત્ર ચાર ટકાના દરે વૃદ્ધિ પામી છે.
તેમણે કહ્યું, “આ આપણી છ ટકા વૃદ્ધિની સંભાવના કરતાં ઘણી ઓછી છે… કેન્દ્ર સરકાર કહે છે કે ફુગાવો નિયંત્રિત છે. ફુગાવો અંકુશમાં હોવાનું એક કારણ એ છે કે આપણે આપણા સંભવિત દરે વૃદ્ધિ કરી નથી.” જાણીતા અર્થશાસ્ત્રીએ ભાર મૂક્યો હતો કે ભારતે વધુ ઝડપથી વિકાસ કરવાની જરૂર છે કારણ કે પૂરતી નોકરીઓનું સર્જન થતું નથી.
રાજનના મતે, જ્યાં સુધી કોઈ ‘ચમત્કાર’ ન થાય, ત્યાં સુધી ભારત માટે 2025 સુધીમાં US પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવું લગભગ અશક્ય છે. “અત્યારે આપણે કદાચ 3,500 ટ્રિલિયન US ડોલરનું અર્થતંત્ર છીએ અને 5,000 ટ્રિલિયન US ડોલરનું અર્થતંત્ર બનવા માટે આપણે આગામી બે વર્ષમાં 12 થી 15 ટકાના દરે વૃદ્ધિ કરવી પડશે, જે અશક્ય છે” એમ તેમણે સમજાવ્યું હતું.