22 રાજ્યોને 3.6 લાખ કરોડ રૂપિયા વ્યાજમુક્ત લોન હેઠળ અપાયા, 11 વર્ષમાં 88 એરપોર્ટ કાર્યરત

નવી દિલ્હી : કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સીઆઈઆઈ જીસીસી બિઝનેસ સમિટને સંબોધતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 22 રાજ્યોને 50 વર્ષની વ્યાજમુક્ત લોન હેઠળ લગભગ 3.6 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં મૂડી રોકાણ નાણાકીય વર્ષ 2024-25માં કુલ સ્થાનિક ઉત્પાદનના 4.1 ટકા સુધી વધશે. જ્યારે નાણાકીય વર્ષ 2013-14માં ફક્ત 1.7 ટકા હતું. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને 50 વર્ષની વ્યાજમુક્ત સહાય પણ પૂરી પાડી છે. જેથી તેઓ તેમની મૂડી સંપત્તિમાં વધારો કરી શકે અને તેના પર ખર્ચ માટે ભંડોળ એકત્ર કરી શકે.
31,000 કિલોમીટર નવા રેલ્વે ટ્રેક નાખવામાં આવ્યા
નાણામંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા 11 વર્ષમાં 88 એરપોર્ટ કાર્યરત થયા છે. આશરે 31,000 કિલોમીટર નવા રેલ્વે ટ્રેક નાખવામાં આવ્યા છે. તેમજ મેટ્રો નેટવર્ક ચાર ગણું વિસ્તર્યું છે. આ ઉપરાંત બંદર ક્ષમતા બમણી થઈ છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક 60 ટકા વિસ્તર્યું છે.
જીએસટી સુધાર 22 સપ્ટેમ્બરના રોજથી લાગુ થશે
નાણામંત્રીએ જણાવ્યું હતું કે જીએસટી સુધારા બાદ મહત્તમ ફાયદો મધ્યમ વર્ગ, ખેડૂતો, નાના ઉદ્યોગકારો, યુવાનો અને મહિલાઓને મળશે. જીએસટી સુધાર 22 સપ્ટેમ્બરના રોજથી લાગુ થશે. કેન્દ્ર સરકારે આ મહિનાની શરુઆતમાં જ જીએસટીના દરોમાં સુધારાની જાહેરાત કરી હતી. જેમાં ચાર સ્તરીય કર માળખાને ઘટાડીને માત્ર બે સ્લેબનું કરમાળખું જાહેર કર્યું છે. હવે 5 અને 18 ટકાના બે સ્લેબ અમલમાં રહેશે. જયારે 12 અને 28 ટકા સ્લેબને નાબુદ કરવામાં આવ્યા છે.