રાજસ્થાનમાં પેટ્રોલપંપ એસોસિએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળનું એલાન

દેશભરમાં અલગ અલગ રાજ્યોની તુલનામાં રાજસ્થાનમાં પેટ્રોલ અને ડિઝલ વધુ મોંઘા છે. રાજસ્થાન સરકારે પેટ્રોલ-ડિઝલ પર લગાવેલો વેટને કારણે રાજ્યભરના પેટ્રોલ પંપ સંચાલકોએ સરકાર વિરુદ્ધ મોરચો માંડી 2 દિવસની હડતાળનું એલાન કર્યું હતું. પરંતુ હડતાળ બાદ પણ કોઇ નિરાકરણ ન આવતા પેટ્રોલપંપ એસોસિએશન દ્વારા અચોક્ક્સ મુદત સુધી રાજ્યમાં પેટ્રોલપંપ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા વેટદરમાં વધારા અંગે વિરોધ કરવામાં આવ્યો હતો. એસોસિએશને દાવો કર્યો હતો કે રાજ્યમાં 6700થી વધુ પંપમાલિકો આ હડતાળમાં ભાગ લઇ રહ્યા છે. પેટ્રોલ અને ડિઝલ પર વેટ પંજાબ રાજ્ય જેટલો હોવો જોઇએ તેવી માગ લઇને રાજસ્થાનમાં પંપમાલિકોએ સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધીની 2 દિવસીય સાંકેતિક હડતાળ પર ઉતરી ગયા હતા. જો કે આ દરમિયાન સરકાર તરફથી કોઇ પગલા ન લેવાતા હવે પંપ ડિલરોએ આજે અચોક્કસ મુદત સુધી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. જો કે પેટ્રોલ કંપનીઓના પેટ્રોલપંપ ખુલ્લા રહેશે.
પેટ્રોલપંપ બંધ રહેવાને કારણે રાજસ્થાનમાં લોકોને મોટાપાયે હેરાનગતિ થઇ રહી છે. અનેક લોકોને પેટ્રોલ ભરાવવા દૂર દૂરના વિસ્તારોમાં જવું પડ્યું હતું. તેમજ જયપુરમાં પણ અનેક પેટ્રોલપંપ પર લાંબી લાઇન લાગેલી જોવા મળી હતી.