દુબઈમાં પાર્કિંગ મુદ્દે થયું India Vs Pakistan, કોર્ટે આપેલો ચૂકાદો સાંભળીને તો…
ગોલ્ડન કન્ટ્રી તરીકે ઓળખાતું દુબઈ પોતાની ચકાચૌંધ ભરી લાઈફસ્ટાઈલની સાથે સાથે જ ત્યાંના કડક કાયદા-કાનૂન માટે પણ એટલું જ જાણીતું છે. આ જ કારણે તેની ગણતરી દુનિયાના સૌથી સુરક્ષિત દેશમાં કરવામાં આવે છે. આવા દુબઈમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં પાર્કિંગના મામુલી વિવાદને કારણે બે પ્રવાસીઓની દુબઈના કડક કાયદાનો કડવો અનુભવ થયો હતો. એટલું જ નહીં પણ એકને દેશ છોડવાનું ફરમાન પણ આપી દેવામાં આવ્યું હતું.
એક સ્થાનિક અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર ઘટના ગયા વર્ષના 8મી ફેબ્રુઆરીની હતી, જ્યાં દુબઈના ટેલિકોમ વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે ભારતીય નાગરિક અને પાકિસ્તાની નાગરિક વચ્ચે વિવાદ થયો અને આ વિવાદ એટલો બધો વધી ગયો કે મામલો મારપીટ સુધી પહોંચી ગયો. કોર્ટે આ મામલે પાકિસ્તાની નાગરિકને ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી છે અને સજા પૂરી થયા બાદ દેશ છોડી જવાનો આદેશ પણ આપ્યો હતો.
મળી રહેલી માહિતી પ્રમાણે 70 વર્ષના પાકિસ્તાની શખ્સે એ પાર્કિંગ સ્પોટ પર કબજો કરી લીધો હતો જ્યાં 34 વર્ષીય ભારતીય નાગરિક પાર્ક કરવા માંગતો હતો. વાત એટલી વધી ગઈ હતી કે પાકિસ્તાની શખ્સે ભારતીય નાગરિકને ધક્કો મારી દીધો જેને કારણે તે નીચે પડી હયો અને તેને ફ્રેક્ચર આવ્યું હતું. આ ઈજાને કારણે ભારતીય નાગરિકના પગની 50 ટકા કાર્યક્ષમતા ખતમ થઈ ગઈ એટલે કે પગમાં ડિસેબિલિટી આવી ગઈ.
આ પણ વાંચો : સમજ્યા વિચાર્યા વિના QR Code સ્કેન કરો છો? તમારી આ એક ભૂલ અને Bank Account…
ઘટના બાદ ભારતીય નાગરિકે પાકિસ્તાની વ્યક્તિ પર હુમલો કરતાં તેને માથામાં ઈજા પહોંચાડી હતી અને એને કારણે તે 20 દિવસ સુધી પોતાના રોજિંદા કામ કરવામાં અસમર્થ રહ્યો હતો. પોલીસે ઘટના સ્થળે જઈને બંનેને તાબામાં લઈને તપાસ કરી. મામલો કોર્ટ સુધી પહોંચ્યો, જ્યાં પાકિસ્તાની નાગરિકે કબૂલ્યું કે તેણે ભારતીય નાગરિકને ધક્કો માર્યો હતો, પરંતુ તેણે તેની સામે ઉશ્કેરવાનો આક્ષેપ પણ કર્યો હતો.
હવે દુબઈની ક્રિમીનલ કોર્ટે 70 વર્ષીય પાકિસ્તાની નાગરિકને દોષી સાબિત કરતાં ત્રણ મહિનાની સજા ફટકારી હતી. આ સિવાય આ સજા પૂરી થતાં જ તેને દેશ છોડી જવાનો આદેશ પણ આપ્યો હતો. જ્યારે ભારતીય શખ્સ સામેના કેસની સુનાવણી બીજી કોર્ટમાં ટ્રાન્સફર કરી હતી, જ્યાં તેની સામે ઓછા ગંભીર આક્ષેપો પર સુનાવણી કરવામાં આવશે.