અમરાવતી: દક્ષિણ ભારતના રાજ્યોમાં કેટલાક સમયથી વસ્તી વધારવા વધુ બાળકો પેદા કરવા પર ડીબેટ ચાલી રહી છે. આંધ્ર પ્રદેશ અને તમિલનાડુના મુખ્ય પ્રધાન વધુ બાળકો પેદા કરવા લોકોને અપીલ કરી ચુક્યા છે, જેની સામે વાંધા પણ ઉઠાવવામાં આવ્યા હતાં. એવામાં એવા અહેવાલ છે કે આંધ્ર પ્રદેશ રાજ્ય સરકાર એક નવા પ્રસ્તાવ પર વિચાર (Andhra Pradesh Gov to introduce bill for population increase) કરી રહી છે. મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ સત્તાવાર જાહેરાત કરી શકે છે કે બેથી વધુ બાળકો ધરાવતા લોકોને જ મ્યુનિસિપલ અને પંચાયતની ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવશે.
ત્રણ દાયકા જૂનો કાયદો રદ:
રાજ્ય સરકારે તાજેતરમાં બે થી વધુ બાળકો ધરાવતા વ્યક્તિઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાતા ત્રણ દાયકા જૂના કાયદાને રદ કર્યો હતો. આ દિશામાં આગળ વધતા રાજ્ય સરકાર એવો કાયદો લાવવાનો નિર્ણય જાહેર કરી શકે છે કે બે વધુ બાળકો ધરવતા વ્યક્તિને જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાની મંજુરી આપવામાં આવશે.
મુખ્ય પ્રધાનનું નિવેદન:
ચંદ્રબાબુ નાયડુ છેલ્લા દાયકાથી હિમાયત કરી રહ્યા છે કે ઘટી રહેલી વસ્તીની સમસ્યાનો સામનો કરવા માટે તેલુગુ લોકોએ વધુ બાળકો પેદા કરવા જોઈએ. ગયા વર્ષે તેમણે વધુ બાળકો ધરાવતા પરિવારોને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત વિશે વાત કરી હતી.
મંગળવારે મુખ્ય પ્રધાન નાયડુએ ફરી એક વખત આ વાતની હિમાયત કરી હતી. તેમણે તેમના વતન ગામ નારવરીપલ્લીમાં આપેલા સંબોધનમાં કહ્યું, “પહેલા એક કાયદો હતો, જે બે કરતા વધુ બાળકો ધરાવતા લોકોને સ્થાનિક સંસ્થા અને નાગરિક સંસ્થાની ચૂંટણી લડવાની મંજૂરી આપતો ન હતો. હું કહું છું કે ઓછા બાળકો ધરાવતા લોકોને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ભવિષ્યમાં, જો તમારા બે કરતાં વધુ બાળકો હશે તો જ તમે સરપંચ, મ્યુનિસિપલ કાઉન્સિલર અથવા મેયર બની શકશો. હું પ્રસ્તાવમાં આ મુદ્દો સામેલ કરીશ.”
વધુ બાળકો તો વધુ ચોખા મળશે:
નાયડુએ એવું પણ કહ્યું કે તેઓ વધુ બાળકો ધરાવતા પરિવારોને વધુ સબસિડીવાળા ચોખા પૂરા પાડવાના પ્રસ્તાવ પર પણ કામ કરી રહ્યા છે. હાલમાં, દરેક પરિવારને 25 કિલો સબસિડીવાળા ચોખા આપવામાં આવે છે.
દક્ષિણના રાજ્યોમાં આવી માંગ શા માટે:
70ના દાયકામાં, દેશના દરેક રાજ્યની સરકારોએ વસ્તી નિયંત્રણ માટે કુટુંબ નિયોજન અભિયાન શરૂ કર્યું હતું. જેની દૂરગામી અસર પણ પડી. પરંતુ દક્ષિણ ભારતના રાજ્યોએ દાયકાઓ પહેલા ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. દક્ષિણ ભારતના રાજ્યોમાં પ્રજનન દર 1.73 છે. જે રાષ્ટ્રીય સરેરાશ 2.1 કરતા ઓછો છે.
આ પણ વાંચો…બાબા બની ગયેલા IITian અભયના પરિવારની વ્યથાઃ જુવાન દીકરો આ રીતે…
જ્યારે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ઝારખંડ એ પાંચ મોટા રાજ્યોનો TFR 2.4 છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો વધારે છે.