વધતું પ્રદૂષણ, આબોહવા પરિવર્તન વાયરસના હુમલા માટે જવાબદાર છે
કોરોનાનો નવો સબ વેરિએન્ટ જેએન-1 હજી સુધી સત્તાવરા રીતે મુંબઇમાં ફેલાયો નથી, પણ થાણે ખાતેથી લેવામાં આવેલા નમૂનાઓમાં જેએન-1 વાયરસ જોવા મળ્યો છે. જેએન-1 પ્રમાણમાં હળવો છે, પણ તે અત્યંત સંક્રમિત છે. પાલિકાના આરોગ્ય અધિકારીઓ જણાવે છે કે દરરોજના કોરોના પરીક્ષણમાં મોટા ભાગે એવા લોકો હોય છે, જેઓને સર્જરી પહેલા કોરોના પરીક્ષણ કરાવવાની ફરજ પડી હોય.
હાલના તબક્કે ચિંતા કરવાની કોઇ જરૂર નથી, એમ બીએમસીના એડિશનલ મ્યુ. કમિશનર ડૉ. સુધાકર શિંદે જણાવે છે અને ઉમેરે છે કે પાલિકા કોરોનાનો સામનો કરવા સજ્જ છે.
SARS-CoV-2 વાયરસે 2019 અને 2022 ની વચ્ચે ભારે હલચલ મચાવી હતી જેની સામે અન્ય વાયરસ ઢંકાઇ ગયા હતા. આ વર્ષે ઓરી, ગાલપચોળિયા, ઇન્ફ્લુએન્ઝા અને ડેન્ગ્યુ જેવા વિવિધ વાયરસનો પ્રકોપ જોવા મળ્યો હતો. જોકે, નવેમ્બર-ડિસેમ્બરમાં JN.1 વાયરસનો પ્રભાવ જોવા મળ્યો હતો. મુંબઇગરાની વાત કરીએ તો વર્ષની શરૂઆત ઓરીની બીમારી સાથે થઇ હતી. 2020,2021માં કોરોના રોગચાળાને કારણે ઓરીનું રસીકરણ બંધ રાખવામાં આવ્યું હતું, પરંતુ સ્લમ વિસ્તારના હજારો બાળકોને ચપ લાગવાથી તેમના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત શહેરમાં H1N1, H3N2 અને ઈન્ફલ્યુએન્ઝા B વાયરસ સાથે ઈન્ફલ્યુએન્ઝાનો પ્રકોપ જોવા મળ્યો હતો, જે ઉધરસ અને શ્વસન સંબંધી બીમારીઓનું કારણ બન્યો હતો, જે 10-12 દિવસ સુધી ચાલે છે. આ વર્ષે રાજ્યમાં ડેન્ગ્યુના કેસ એક વર્ષમાં બમણા થઇને 17 હજાર સુધી પહોંચી ગયા છે. મુંબઇમાં ડેન્ગ્યુના 5,261 કેસ નોંધાયા છે. નિષ્ણાતોએ વાયરસના વધતા હુમલા માટે હવાના પ્રદૂષણના વધતા જતા સ્તર અને આબોહવા પરિવર્તનને જવાબદાર ઠેરવ્યા છે.
જોકે, ડૉક્ટરો જણાવે છે કે રોગચાળા બાદ લોકોમાં જાગૃતિ આવી છે. હવે લોકોને તાવ આવે અને સાથે શ્વસનની સમસ્યા થાય ત્યારે ડૉક્ટર પાસે દોડી જાય છે. બીએમસી પણ આ વર્ષે તેના સર્વેલન્સ કેન્દ્રોની સંખ્યા 22થી વધારી 880 કરી છે. જોકે, આરોગનો સામો કરવા માટે આપણી પાસે લાંબા ગાળાની ટકાઉ યોજના નથી. મુંબઇનું પોતાનું કસ્તુરબા જિનોમિક સિક્વન્સિંગ કેન્દ્ર પરીક્ષણ કરવા સક્ષમ નથી કારણ કે મશીનને ઑપરેટિંગ ચક્ર દીઠ 300થી વધુ સકારાત્મક કોરોનાના નમૂનાની જરૂર હોય છે અને કસ્તુરબા કેન્દ્ર પાસે એટલા પોઝિટિવ કેસ આવતા નથી, તેથી આ મશીન ચલાવી શકાતું નથી.
ભારતમાં મૃત્યુ અને હૉસ્પિટલમાં દાખલ થનારા કેસોમાં વધારો નહીં થવાથી JN.1ને ઘણી હળવાશથી લેવામાં આવી રહ્યો છે. વિશ્વભરનો ડેટા દર્શાવે છે કે કોવિડને કારણે 10થી 17 ડિસેમ્બરની વચ્ચે વિશ્વભરમાં 1,311 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાના વાઇરલ ઇન્ફેક્શને 2019ના અંત અને 2020ની શરૂઆતમાં આતંક મચાવ્યો હતો અને લાખો લોકોના જીવ લીધા હતા. હાલમાં યુરોપિયન દેશો અને સિંગાપોરમાં કોરોનાના કેસમાં આઘાતજનક વધારો જોવા મળી રહ્યો છે તે જોતા 2024માં પણ કોરોના મહામારી રહેશે જ એમ લાગે છે.