નોકરીના બદલામાં જમીન કૌભાંડ: લાલુ પ્રસાદ અને તેજસ્વીની વધી મુશ્કેલી
નવી દિલ્હીઃ નોકરીના બદલામાં જમીન કૌભાંડ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ આજે ભૂતપૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ, તેમના પુત્ર તેજસ્વી યાદવ અને અન્ય આઠ આરોપીઓ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી.
વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગ સમક્ષ પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસની આગામી સુનાવણી 13 ઓગસ્ટના યોજાશે. ઇડીએ સીબીઆઇની એક એફઆઇઆર પર કેસ દાખલ કર્યો હતો.
આ પણ વાંચો: ‘એક તો વધારે બાળકો પેદા કરી દીધા,હવે બધાને ધંધે લગાડ્યા છે’ લાલુ પ્રસાદ પર નિતિશ નિશાન
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર આ કેસ 2004થી 2009 દરમિયાન લાલુ પ્રસાદ યાદવના રેલવે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મધ્ય પ્રદેશના જબલપુરમાં રેલવેના પશ્ચિમ-મધ્ય ઝોનમાં ગ્રુપ-ડીની ભરતી સાથે સંબંધિત છે.
આરોપ છે કે રેલવેમાં ભરતી કરાયેલા લોકોએ નોકરીના બદલામાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમોના પરિવારના સભ્યો અને સહયોગીઓને જમીન ભેટમાં આપી હતી.