ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં નહી પડે કોઈ મુશ્કેલી, સાથે રાખો મહત્વના દસ્તાવેજ

મુંબઈ : દેશના હાલ કરદાતાઓ દ્વારા ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જેમાં કરદાતાઓની સુવિધાને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ આ વર્ષે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર કરી છે. આ રાહત ફક્ત એવા કરદાતાઓ માટે છે જેમના ખાતાઓને ઓડિટની જરૂર નથી જેમ કે પગારદાર કર્મચારીઓ, પેન્શનરો. ઘણા અન્ય લોકોએ જૂની સમયમર્યાદા મુજબ ટેક્સ ચૂકવવો પડશે.તેથી રિટર્ન ફાઇલ કરતી વખતે કોઈ સમસ્યા ન થાય તે માટે આ મુજબના દસ્તાવેજો તમારી સાથે રાખવા
હિતાવહ છે.
ફોર્મ 16
આવક ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે જરૂરી દસ્તાવેજોમાંથી એક ફોર્મ 16 છે. જે તમને તમારા એમ્પ્લોયર દ્વારા આપવામાં આવે છે. તેમાં તમારા કુલ પગાર કેટલો TDS કાપવામાં આવ્યો છે. ટેક્સ વિશે સંપૂર્ણ માહિતી હોય છે. આ તમને ટેક્સ પોર્ટલ પર ભરેલો ડેટા સાચો છે કે નહીં તે જાણવામાં ઉપયોગી થાય છે.
ફોર્મ 16A, 16B, 16C અને 16D
ફોર્મ 16A વીમા કમિશનમાંથી થતી આવક અને ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ પર લાગુ પડે છે. જ્યારે કોઈ વ્યક્તિ 50 લાખ રૂપિયાથી વધુ કિંમતની સ્થાવર મિલકત ખરીદે છે. ત્યારે ખરીદનારને વેચનારનો TDS કાપવાનો હોય છે. આ પછી ફોર્મ QB માં ફાઇલ કરવામાં આવે છે. ફોર્મ 16B તૈયાર થાય છે. જયારે જો માસિક ભાડું 50,000 રૂપિયાથી વધુ હોય, તો ભાડૂઆત મકાનમાલિકને ફોર્મ 16C આપવું પડે છે. ભાડૂઆત TDS કાપવા અને પ્રમાણપત્ર આપવા માટે જવાબદાર છે. આ પ્રમાણપત્રો વિવિધ સ્ત્રોતોમાંથી આવકને ટ્રેક કરવામાં અને કોઈપણ ભૂલ વિના ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં મદદ કરે છે.
AIS, TIS અને ફોર્મ 26AS
આ તમારા ટેક્સ રેકોર્ડ જેવા છે. ફોર્મ 26AS માં TDS અને TCS વિશેની માહિતી આપવામાં આવે છે. AIS માં બેંક વ્યાજ, FD અને શેરની વિગતો શામેલ છે, જ્યારે TIS માં AIS માં આપેલી માહિતીનો સારાંશ શામેલ છે. આ બધું ઇન્કમટેક્સ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે.
કેપિટલ ગેન સ્ટેટમેન્ટ
જો તમે સ્ટોક, મ્યુચ્યુઅલ ફંડ અથવા મિલકત વેચી છે. તો તમારે તમારો કેપિટલ ગેન જાહેર કરવો પડશે. તમારા બ્રોકર અથવા ફંડ હાઉસ પાસેથી કેપિટલ ગેન સ્ટેટમેન્ટ મેળવવું પડે છે.
બેંક સ્ટેટમેન્ટ અને વ્યાજ પ્રમાણપત્ર
બેંક અને પોસ્ટ ઓફિસ યોજનાઓ પર મળેલા વ્યાજનું પ્રમાણપત્ર મેળવવાની ખાતરી કરો કારણ કે આ યોજનાઓ પર મળતું વ્યાજ ITR માં દર્શાવવું જરૂરી છે. આ તમને AIS અથવા ફોર્મ 26AS માં ખૂટતી કોઈપણ માહિતી શોધવામાં મદદ કરે છે.
આપણ વાંચો: યુપીમાં ધર્માંતરણનો માસ્ટરમાઇન્ડ છાંગુર બાબા માટી, કાજલ અને દર્શન જેવા કોડવર્ડનો ઉપયોગ કરતો
વિદેશી આવક અથવા અનલિસ્ટેડ શેર
જો તમારી પાસે કોઈ વિદેશી કંપનીના શેર છે અથવા ત્યાં તમારું બેંક ખાતું છે.તો તમારે તેની જાણ કરવી પડશે. ભલે તમારી કુલ આવક મુક્તિ મર્યાદા કરતા ઓછી હોય. આ જ વાત ભારતીય કંપનીઓના અનલિસ્ટેડ શેર પર લાગુ થશે. તમારે કંપનીના નામ અને શેરની સંખ્યા વિશે સંપૂર્ણ માહિતી આપવી પડશે.