દિલ્હી, બંગાળમાં રાજકારણીઓ પર ઈન્કમટેક્સના દરોડા
નવી દિલ્હી: આવકવેરા ખાતા (આઈટી) દ્વારા શનિવારે દિલ્હી અને બંગાળમાં કેટલાક રાજકારણીઓના સ્થાનો પર તપાસ હાથ ધરવામાં આવી હતી.
રાજધાની દિલ્હીમાં આવકવેરા ખાતાએ આમ આદમી પાર્ટી (આપ)ના વિધાનસભ્ય ગુલાબ સિંહ યાદવ અને અન્ય કેટલાક રાજકારણીઓના ઘર અને અન્ય કેટલાક સ્થળો પર આવકવેરા ખાતા દ્વારા તપાસ આદરવામાં આવી હતી. તેઓ મતિયાલા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના દિલ્હીના ઘુમ્મનહેડા ગામમાં આવેલા સ્થળો અને અન્ય સ્થળોએ તપાસ આદરવામાં આવી હતી. કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે અને કેટલાક લોકોની પુછપરછ કરવામાં આવી છે, એમ આવકવેરા ખાતાના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.
પશ્ચિમ બંગાળના પ્રધાન અરૂપ બિસ્વાસના ભાઈ સ્વરૂપ બિસ્વાસના સ્થળો પર 70 કલાકથી ચાલી રહેલી તપાસ શનિવારે પૂરી થઈ હતી. બુધવારથી કોલકાતામાં આવેલા તેમના વિવિધ સ્થળો પર તપાસ આદરવામાં આવી હતી અને શનિવારે તપાસ કપૂરી થઈ હતી. સ્વરૂપ બિસ્વાસની પત્ની જુઈ બિસ્વાસે કહ્યું હતું કે આવકવેરા ખાતા દ્વારા વધુ દસ્તાવેજોની માગણી કરવામાં આવી છે અને તેમને આગામી દિવસોમાં સોંપી દેવામાં આવશે. આવકવેરા ખાતા દ્વારા ટેક્સ ચોરી અને તેમની જાણીતા સ્ત્રોતો કરતાં વધુ મિલકત ધરાવવાના કેસમાં આ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. (પીટીઆઈ)